કેનેડાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા હતા. ભારત પર કેનેડાની 2019 અને 2021ની ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ હતો. આ સંબંધમાં કેનેડિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ સર્વિસએ ફોરેન ઈન્ટરફેન્સ કમિશન સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, કેનેડાની ચૂંટણીમાં ભારતે કોઈપણ રીતે હસ્તક્ષેપ કર્યો નથી.
CSIS ખરેખર ચૂંટણીમાં સંભવિત વિદેશી હસ્તક્ષેપની તપાસ કરી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે કેનેડાની ચૂંટણીમાં પ્રભાવ કે હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હોવાના કોઈ પુરાવા નથી. પરંતુ અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે ભારત અને પાકિસ્તાને 2019 અને 2021ની કેનેડાની સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ચૂંટણીઓમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીએ જીત મેળવી હતી. જોકે કેનેડાની ગુપ્તચર એજન્સીએ કહ્યું કે, ચીને કેનેડાની બે સામાન્ય ચૂંટણીઓમાં ગુપ્ત રીતે હસ્તક્ષેપ કર્યો હતો. કેનેડાની ગુપ્તચર એજન્સી CSISનું કહેવું છે કે, ચીન દ્વારા શંકાસ્પદ હસ્તક્ષેપના નક્કર પુરાવા પણ મળ્યા છે. જસ્ટિન ટ્રુડો સરકારે ભારત પર કેનેડાની ચૂંટણીમાં સંભવિત હસ્તક્ષેપનો આરોપ લગાવ્યો હતો.
કેનેડાની ગુપ્તચર એજન્સીએ કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન જેવા દેશોએ 2019 અને 2021માં યોજાયેલી દેશની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો. CSIS દસ્તાવેજોમાં આરોપ છે કે, ભારત સરકારે કેનેડામાં ભારતીય સરકારના એજન્ટ દ્વારા 2021ની ચૂંટણીમાં દખલ કરવાનો પ્રયાસ કર્યો હતો. CSIS દસ્તાવેજ જણાવે છે કે, ભારતીય મૂળના કેનેડિયન મતદારોનો એક ભાગ ખાલિસ્તાની ચળવળ અથવા પાકિસ્તાન તરફી રાજકીય વલણ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોવાની ભારતની ધારણાને કારણે ભારત સરકારે ઓછી વસ્તી ગીચતા ધરાવતા ચૂંટણી જિલ્લાઓને નિશાન બનાવ્યા હતા. ભારતે આની આકરી પ્રતિક્રિયા આપી અને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા.