દેશભરમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 102 બેઠક પર મતદાન થયું હતું. આ દરમિયાન પશ્ચિમ બંગાળ અને મણિપુરના કેટલાક વિસ્તારમાં હિંસાની ઘટનાઓ સામે આવી હતી. 2019ની લોકસભા ચૂંટણીની તુલનામાં આ વખતે પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થયું હતું. આ વખતે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 62.37 ટકા મતદાન થયુ હતું જ્યારે 2019માં પ્રથમ તબક્કામં 69.43% મતદાન થયું હતું.
NDA જ્યા સત્તાની હેટ્રિક લગાવવાનો પ્રયાસ કરી રહી છે જ્યારે વિપક્ષી દળોએ ભાજપના નેતૃત્વ ધરાવતી સરકારને સત્તામાંથી બહાર કરવા માટે INDIA ગઠબંધન બનાવ્યું છે. પ્રથમ તબક્કામાં થયેલા મતદાનમાં તમામની નજર તમિલનાડુ પર છે, અહીંની તમામ 39 લોકસભા બેઠક પર મતદાન થયું હતું. આ વખતે ભાજપ સાઉથમાં સારા પ્રદર્શનની આશા કરી રહ્યું છે. પ્રથમ તબક્કામાં ત્રિપુરામાં સૌથી વધુ 80.17 ટકા મતદાન થયું હતું જ્યારે બિહારમાં સૌથી ઓછા 48.5 ટકા મતદાન થયું હતું.
મણિપુરમાં એક મતદાન કેન્દ્રમાં અજાણ્યા બદમાશોએ ફાયરિંગ કર્યું હતું. તે બાદ પોલિંગ બૂથ પર હિંસાની ઘટના બની હતી. મણિપુરમાં 68.62% મતદાન થયું હતું. જ્યારે બંગાળમાં કેટલીક જગ્યાએ હિંસા છતા 77.57% મતદાન થયું હતું.






