સુપ્રીમ કોર્ટે 22 એપ્રિલે સોમવારે પૈસા માટે સરકારી જમીનની કથિત ગેરકાયદેસર ફાળવણીના કેસમાં નિવૃત્ત IAS અધિકારી પ્રદીપ શર્માની જામીન અરજી પર ગુજરાત સરકારનો જવાબ માંગ્યો હતો. પ્રદીપ શર્મા પર કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર રીતે સરકારી જમીન ફાળવવાનો આરોપ છે. જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જવલ ભુઈયાની બેન્ચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.
પ્રદીપ શર્મા વતી વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે દલીલો રજૂ કરી હતી. તેમણે કહ્યું કે હું રાજ્યના સામાન્ય માણસના દૃષ્ટિકોણથી આ મામલે રાહત માંગી રહ્યો છું. તેના પર કોર્ટે કહ્યું- ઠીક છે, અમે નોટિસ જાહેર કરી રહ્યા છીએ. પ્રદીપ શર્માએ 20 માર્ચના ગુજરાત હાઈકોર્ટના જામીન અરજી ફગાવી દેવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે પ્રદીપ શર્મા સરકારમાં સર્વોચ્ચ હોદ્દા પર હતા ત્યારે તેમની સામે સમાન પ્રકારના ગુનાઓ માટે ઘણી FIR નોંધવામાં આવી હતી.
કચ્છમાં સીઆઈડી ક્રાઈમે પ્રદીપ શર્મા સામે IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. તેમની સામે વિશ્વાસઘાત, જાહેર સેવક દ્વારા અવજ્ઞા, ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ FIR નોંધવામાં આવી હતી. પ્રદીપ શર્મા જમીન ફાળવણીના કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે, જે કેસ CID ક્રાઈમે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભુજમાં દાખલ કર્યો હતો.