સુપ્રીમ કોર્ટ તરફથી ભ્રામક વિજ્ઞાપન મામલે સવાલ પૂછવામાં આવ્યા બાદ બુધવારે પતંજલિએ ફરી એક વખત અખબારમાં માફી છપાવી છે. આ વખતે વિજ્ઞાપનનો આકાર પહેલાથી મોટો રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પતંજલિએ એક દિવસ પહેલાં પણ માફીનામું છપાવ્યું હતું. જો કે સુપ્રીમ કોર્ટે તેની જાણકારી માગતા પતંજલિને સવાલ કર્યો હતો કે શું માફી વિજ્ઞાપન જેવડી મોટી છે ?
રામદેવ અને તેમના સાથી બાલકૃષ્ણ તરફથી અખબારમાં છપાવવામાં આવેલી માફીનો આકાર એક અખબારના પાનાના 25 ટકા જેટલી છે. જેમાં મોટા મોટા અક્ષરોમાં લખવામાં આવ્યું છે કે શરતો વિના માફી. સાથે જ માફી માગતા કહેવામાં આવ્યું છે કે ભારતની માનનીય સર્વોચ્ચ અદાલતના કેસના સંદર્ભમાં કોર્ટના નિર્દેશો અને આદેશનું પાલન ન કરવા અને અવજ્ઞા કરવા માટે વ્યક્તિગત રીતે અને સાથે કંપની તરફથી કોઈપણ શરતો વિના માફી માગીએ છીએ. વિજ્ઞાપનોના પ્રકાશનમાં થયેલી ભૂલ માટે પણ ઈમાનદારીથી માફી માગે છે અને પૂરા મનથી કહે છે કે આવી ભૂલનું પુનરાવર્તન કરવામાં આવશે નહીં. પૂરી સાવધાની અને અત્યંત નિષ્ઠા સાથે માનનીય ન્યાયાલયના નિર્દેશોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.