સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડવામાં મોટી સફળતા મળી છે. માન દરવાજા પાસે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈને એક યુવક ભાગવા લાગ્યો હતો. તેની પૂછપરછ કરતા તેની પાસે MD ડ્રગ્સ હોવાનું સામે આવ્યુ હતું. પોલીસ દ્વારા 20 લાખની કિંમતનું 200 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે મોહંમદ તોકિર શેખની ધરપકડ કરવામાં આવી છે અને તેને ડ્રગ્સ આપનાર રેહાન જાવેદ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને અલગ-અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવા માટે પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરતના માન દરવાજા વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવતું હતું. તે સમયે પોલીસને જોઈને એક અજાણ્યો યુવક ભાગવા લાગ્યો હતો. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ શખસને પકડવામાં આવ્યો અને તેની તપાસ કરતા આ શખસ પાસેથી 200 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. પકડાયેલા આ શખસનું નામ પૂછતા તેને પોતાનું નામ મોહમ્મદ તોકીર ઉર્ફે તોસીફ શેખ હોવાનું જણાવ્યું હતું.
આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, આરોપી મોહમ્મદ તોકીર સુરતના રુસ્તમપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. તેને આ MD ડ્રગ્સનો મુદ્દામાલ રેહાન જાવીદ શેખ નામના ઈસમ દ્વારા આપવામાં આવ્યો હતો. મોહમ્મદ તોકીર રેહાન જાવેદ શેખના જણાવ્યા અનુસાર ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરતો હતો. બંને સાથે મળીને આ જ પ્રકારે છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. ત્યારે હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેહાન જાવીદ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને મોહમ્મદ તોકીરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કેટલાક લોકો તેમની સાથે સંડોવાયેલા છે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.