પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ચરણજીત સિંહ ચન્નીએ પૂંછમાં થયેલા આતંકી હુમલાને લઇને વિવાદિત ટિપ્પણી કરી જે બાદ રાજકારણ ગરમાયું છે. શનિવારે એરફોર્સ પર થયેલા હુમલામાં એક જવાન શહીદ થયો હતો અને ચાર અન્ય ઘાયલ થયા હતા. પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ દાવો કર્યો કે આ ઘટના ભાજપ તરફથી કરવામાં આવેલું ચૂંટણી પહેલાનું સ્ટંટ છે. લોકસભા ચૂંટણી વચ્ચે ચન્નીના આ નિવેદન બાદ ભાજપને કોંગ્રેસની ટીકા કરવાની તક મળી ગઇ છે.
જાલંધરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું, “આ સ્ટંટ છે, આતંકવાદી હુમલો નથી, તેમાં કોઇ સત્ય નથી. ભાજપ લોકોના જીવન સાથે રમી રહ્યું છે.” ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે જ્યારે પણ ચૂંટણી આવે છે તો ભાજપને ફાયદો પહોંચાડવા માટે હુમલા કરવામાં આવે છે. 2019ના પુલવામા હુમલાની તુલના કરતા કહ્યું કે, તેમાં 40 CRPFના જવાનોના જીવ ગયા હતા. “આ હુમલા વાસ્તવમાં નથી થઇ રહ્યાં પણ માત્ર ભાજપને ફાયદો પહોંચાડવા માટે છે. જ્યારે પણ ચૂંટણી આવે છે તો આવા સ્ટંટ કરવામાં આવે છે.”
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચન્નીના નિવેદનની ટીકા કરતા તેને કોંગ્રેસ પાર્ટીની માનસિકતા ગણાવી હતી. અનુરાગ ઠાકુરે કહ્યું, કોંગ્રેસ પર સેનાને મજબૂત કરવાની જગ્યાએ એક દાયકા સુધી દલાલીમાં લાગ્યા રહેવાનો આરોપ લગાવ્યો હતો. આતંકી હુમલો પૂંછના સનાઇ વિસ્તારમાં બે IAFની ગાડીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ભારતીય વાયુ સેનાના જવાન વિક્કી પહાડેનું નિધન થયું હતું જ્યારે અન્ય ચાર સૈનિક ઘાયલ થયા હતા. જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારતીય વાયુસેનાના કાફલા પર હુમલો કરનારા લશ્કર-એ-તોઇબાના ચાર આતંકીઓને તાલીમ સાજિદ જટે આપી હોવાનો ખુલાસો થયો છે.