ગુજરાતની લોકસભાની સુરત સિવાયની 25 બેઠકો તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટેની 5 બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણીપંચ દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આ અંગે જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વોટર ઇન્ફોર્મેશન સ્લીપના વિતરણની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે રાજ્યના દરેક બૂથ પર ઇવીએમ મશીન સાથે સ્ટાફ પહોંચી જશે. ગુજરાતમાં 50,787 મતદાન મથક પર 7 મેના રોજ મતદાન યોજાશે, જેમાં 13,600 મતદાન મથક સંવેદનશીલ છે. આ વખતે સંવેદનશીલ મતદાન મથકોમાં 450 મતદાન મથકનો વધારો થયો છે. ક્રિટિકલ મતદાન મથકો માટે 10 જેટલી SRP કંપનીનો ઉપયોગ કરવાનું ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયું છે. જ્યારે 1.20 લાખ પોલીસકર્મી મતદાનના દિવસે ખડેપગે રહેશે. તેમજ મતદાનના દિવસે હીટવેવને લઈને ચૂંટણીપંચે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
દરેક જિલ્લામાં પૂરતા પ્રમાણમાં FLC OK EVM અ VVPAT ઉપલબ્ધ છે. જેમાં 87,042 BU, 71,682 CU અને 80,308 VVPATનો સમાવેશ થાય છે. EVM-VVPAT મશીનોનું Randomization માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે. જેમાં વિધાનસભા મત વિસ્તાર મુજબ EVM-VVPAT મશીનોની ફાળવણી કરવામાં આવશે. તેમજ સેકન્ડ Randomization હરીફ ઉમેદવારો તેમજ Observers ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારી દ્વારા મતદાન મથક પ્રમાણે કરવામાં આવશે.
લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ-કર્મચારીઓ આવરી લઈ અંદાજે 4,50,000નો સ્ટાફ ફરજ બજાવશે. જેમાં 55,800થી વધુ પ્રિસાઇડિંગ ઓફિસર્સ, 1.67 લાખથી વધુ પોલિંગ ઓફિસર્સ, 6,300થી વધુ સેક્ટર ઓફિસર અને 5,200થી વધુ માઇક્રો ઓબ્ઝર્વર્સ સહિતના અધિકારીઓ -કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમજ 1 લાખ 20 હજાર પોલીસ ખડેપગે રહેશે.
રાજ્યમાં 182 જેટલાં આદર્શ મતદાન મથક
રાજ્યમાં કુલ 50,787 મતદાન મથકો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 33,475 મતદાન મથકો છે. જ્યારે શહેરી વિસ્તારમાં 17,202 મતદાન મથક આવેલા છે. રાજ્યમાં 110 મતદાન મથકો એવા છે, જ્યાં મતદારોની સંખ્યા 1,500થી વધી ગઈ છે. રાજ્યની દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા એક મતદાન મથકને ‘આદર્શ મતદાન મથક’ તરીકે સ્થાપિત કરવામાં આવશે. રાજ્યમાં 182 જેટલાં આદર્શ મતદાન મથક ઉભા કરવામાં આવશે. આ મતદાન મથકોને યોગ્ય રીતે સુશોભિત કરવામાં આવશે. મતદારોને મતદાન મથકનો સુખદ અનુભવ પ્રાપ્ત થાય તે હેતુથી અમુક મતદાન મથકોમાં વિશિષ્ટ સજાવટ કરવા, મતદાન મથકે સેલ્ફી બુથની વ્યવસ્થા કરવા, મતદાર સહાયક પૂરા પાડવા અને પાર્કિંગ તથા બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ પૂરી પાડવા તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે.
‘No Voter to be left behind’ના સંકલ્પ સુત્રને ચરિતાર્થ કરતાં રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા રાજ્યના કેટલાક એવા દુર્ગમ સ્થળોએ પણ મતદાન મથક તૈયાર કરવામાં આવે છે, જેનાથી તે વિસ્તારના મતદારોને મતદાનમાં સુગમતા રહે. જેમ કે, ગીર સોમનાથ જિલ્લાના બાણેજ ખાતે માત્ર એક મતદાર માટે મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. ભરૂચ જિલ્લાના આલિયાબેટ ટાપુ ખાતે 217 મતદારો માટે શિપિંગ કન્ટેઈનરમાં મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ મતદારોને મતદાન કરવા બસમાં 82 કિલોમીટર જેટલી મુસાફરી કરવી પડતી હતી. મતદારોને ચૂંટણી સયય દરમિયાન કોઈપણ તકલીફ કે પ્રશ્નો ઉભા થાય તો તેના માટે મતદાર સહાયતા કેન્દ્રની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેમાં બીએલઓ દ્વારા જરૂરી સહાયતા કરવામાં આવશે અને દિવ્યાંગ મતદારોની સુવિધા માટે ટ્રાન્સપોર્ટ, વ્હિલચેર તથા સહાયકની વ્યવસ્થા કરવામાં આવી છે.
હીટવેવને લઈ ચૂંટણીપંચની તૈયારી
ઇલેક્શન કમિશનના એ.બી. પટેલે જણાવ્યું હતું કે, ઇવીએમ અને વીવીપેટના કમિશનિંગની તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ સિવાય વોટર ઇન્ફોર્મેશન સ્લીપ વિતરણની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. હીટવેવને ધ્યાને લઈને રાજ્યના દરેક બૂથ પર પીવાનું પાણી, બેસવા માટે ખુરસીઓ, પૂરતા પ્રમાણમાં છાંયડો, શેડની વ્યવસ્થા તેમજ શિશુ સંભાળ કેન્દ્ર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક બૂથ પર તાત્કાલિક સારવાર માટે જરૂરી દવાઓ અને ORSની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. સન સ્ટ્રોક અસરગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સેક્ટર ઓફિસર સાથે મેડિકલ ટીમ ખડેપગે રહેશે. આ ટીમ પાસે પ્રાથમિક સારવાર માટેની તમામ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રો અને એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખવામાં આવશે.