ગુજરાતીઓ સહિત દેશના નાગરિકોને અમેરિકામાં ઘૂસાડવાનું વધુ એક ષડ્યંત્ર બહાર આવ્યું છે. દુબઈથી ટેકઓફ થયેલા વિમાનને જમૈકામાં રોકી દેવામાં આવ્યું છે. આ ફ્લાઈટમાં 250થી વધુ મુસાફરો હતા. જેમાં મોટાભાગના ભારતીય હોવાનું સામે આવ્યું છે. હાલ તમામ મુસાફરોને હોટેલમાં રાખી પુછપરછ કરવામાં આવી રહી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે દુબઈથી ટેકઓફ થયેલું વિમાન જમૈકાના નોર્મન મેન્લી એરપોર્ટ ખાતે ગત બીજી મે રોજ લેન્ડ થયું હતું. જોકે, એરપોર્ટ ઓથોરિટીના ઓફિસરોને શંકા જતાં આ વિમાનને રોકી દેવામાં આવ્યું હતું. ફ્લાઇટની તપાસ કરવામાં આવી હતી. જેમાં 250થી વધુ મુસાફરો હતો. જેમાં મોટાભાગના ગુજરાત સહિત અન્ય રાજ્યોના મુસાફરો હતો. પ્રાથમિક તપાસમાં મુસાફરો પાસે જરૂરી દસ્તાવજો ન હોવાનું સામે આવ્યું છે. પરિણામે હાલ મુસાફરોને હોટલમાં લઈ જવામાં આવ્યા છે. આ તમામ મુસાફરોની પુછપરછ ચાલી રહી છે અને નજર કેદ કરવામાં આવ્યા છે. પુછપરછમાં ભારતીય મુસાફરો અમેરિકામાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં ગયા હોવાનું કહેવાય છે પરંતુ વધુ પુછપરછ ચાલી રહી છે.