દેશના અનેક રાજ્યોમાં વાવાઝોડું અને વીજળીનો કડાકા સાથે વરસાદ પડ્યો છે. બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી 11 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે કહ્યું છે કે આજે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
હવામાન વિભાગે આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને કર્ણાટકમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં કરા સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, કેરળ, કર્ણાટક, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ હળવો વરસાદ પડશે. અહીં ધૂળની ડમરીઓ પણ ઉડશે.
બીજી તરફ દેશના કેટલાક રાજ્યોમાં ગરમીની અસર યથાવત છે. રાજસ્થાન, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણામાં તાપમાન 40 થી 43 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના સોલાપુરમાં શનિવારે સૌથી વધુ 43.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
13 મે: 6 રાજ્યોમાં વીજળી પડવાની આગાહી : ઉત્તરાખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશમાં વીજળી પડવાની સંભાવના છે.હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ધૂળની ડમરીઓ ઉડશે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કેરળ, કર્ણાટક અને તેલંગાણામાં ભારે વરસાદ પડશે.
14 મે: છત્તીસગઢ-ગુજરાતમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વીજળી પડવાની સંભાવના છે. મધ્યપ્રદેશ, ગોવા અને કર્ણાટકમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
15 મે: ઉત્તર-પૂર્વના રાજ્યોમાં વીજળી અને વાવાઝોડાનું એલર્ટ, ઓડિશા સહિત ઉત્તર-પૂર્વના 7 રાજ્યોમાં વરસાદ અને વીજળી પડશે.મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા અને ગોવામાં ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે.
તમિલનાડુ, પુડુચેરી, કેરળમાં ભારે વરસાદનું એલર્ટ છે.