લોકસભા ચૂંટણી 2024માં ચોથા તબક્કામાં 11 વાગ્યા સુધી સરેરાશ 24.87 % મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 32.78 ટકા જ્યારે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું 14.94 ટકા મતદાન થયું છે. લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે.
બિહારના મુંગેરમાં મતદાન પહેલા એક પોલિંગ એજન્ટનું હાર્ટ એટેકથી મોત થયું હતું. બીજી તરફ પશ્ચિમ બંગાળના બોલપુરમાં મતદાનના ગઈ મોડી રાત્રે TMCના એક કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી. ટીએમસીનો આરોપ છે કે CPI (M) સમર્થકોએ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો જેમાં અમારા કાર્યકરનું મોત થયું હતું.
ચૂંટણીના ચોથા તબક્કામાં કુલ 1,717 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 1,540 પુરુષ અને 170 મહિલા ઉમેદવારો છે. આમાં મહિલાઓ માત્ર 10% છે. 8.73 કરોડ મહિલાઓ સહિત 17.70 કરોડથી વધુ મતદારો મતદાન કરશે. કુલ 1.92 લાખ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે અને 19 લાખથી વધુ અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.
આ તબક્કામાં 5 કેન્દ્રીય મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય દેશના બે સૌથી અમીર ઉમેદવારો મેદાનમાં છે. આંધ્ર પ્રદેશના ગુંટુરથી ટીડીપીના ઉમેદવાર પાસે રૂ. 5,705 કરોડની સંપત્તિ છે અને તેલંગાણાની ચેવેલ્લા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પાસે રૂ. 4,568 કરોડની સંપત્તિ છે.
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે ચાલી રહેલા મતદાન વચ્ચે કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જાહેરાત કરી છે. તેમણે કહ્યું, “સ્વતંત્રતાની લડાઈથી લઈને આધુનિક ભારતના નિર્માણમાં મહિલાઓએ મોટી ભૂમિકા ભજવી છે. આજે મહિલાઓને ભારે મોંઘવારીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં અમે કોંગ્રેસ ક્રાંતિકારી ગેરંટી લઈને આવ્યા છીએ. કોંગ્રેસની મહાલક્ષ્મી યોજના હેઠળ ગરીબ પરિવારની મહિલાને દર વર્ષે એક લાખ રૂપિયા આપવામાં આવશે.
રાજ્ય મતદાન
આંધ્ર પ્રદેશ 23.10 %
બિહાર 22.54 %
જમ્મુ- કાશ્મીર 14.94 %
ઝારખંડ 27.40 %
મધ્ય પ્રદેશ 32.38 %
મહારાષ્ટ્ર 17.51 %
ઓરિસ્સા 23.28 %
તેલંગાણા 24.31 %
ઉત્તર પ્રદેશ 27.12 %
પ. બંગાળ 32.78 %