સોમવારે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ધૂળના તોફાન બાદ એક વિશાળ હોર્ડિંગ ધરાશાયી થતાં 14 લોકોના મોત થયા હતા, જ્યારે 74થી વધુ લોકો ઘાયલ થયા હતા. 15 હજાર સ્ક્વેર ફૂટથી વધુના આ હોર્ડિંગનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે, જોકે હવે અધિકારીઓનું કહેવું છે કે આ BMCની પરવાનગી વિના કરવામાં આવ્યું હતું. પોલીસે બિલબોર્ડ મેન્યુફેક્ચરિંગ એજન્સી મેસર્સ ઇગો મીડિયા અને તેના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પંત નગર પોલીસ સ્ટેશનમાં હોર્ડિંગ માલિક ભાવેશ ભીંડે અને અન્યો વિરુદ્ધ IPCની કલમ 304, 338, 337 હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે.
સોમવારે સાંજે મુંબઈમાં વાતાવરણમાં અચાનનક પલ્ટો આવ્યો હતો. આકાશમાં ગાઢ વાદળો છવાઈ ગયા પછી, ધૂળની ડમરીઓ અને વરસાદ શરૂ થયો. આ વાવાઝોડાને કારણે ઘાટકોપરની સમતા કોલોનીના રેલવે પેટ્રોલ પંપ પર એક વિશાળ હોર્ડિંગ પડી ગયું, જેની નીચે મોટી સંખ્યામાં લોકો દટાઈ ગયા.. તાત્કાલિક પોલીસ અને મુંબઈ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.આ ઘટના બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ એક નિવેદન જારી કરીને કહ્યું કે બિલબોર્ડ તેમની પરવાનગી વગર બનાવવામાં આવ્યું છે.
ઘાટકોપરમાં આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું હું શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું અને રાહત અને બચાવ કામગીરીની સફળતાની કામના કરું છું.