રાજસ્થાનના ઝુંઝુનું જિલ્લામાં હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં લિફ્ટનું દોરડું તૂટી જતાં ફસાયેલા તમામ 14 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ખાણમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા તમામ અધિકારીઓને જયપુર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમની તબીબી તપાસ કરવામાં આવશે.
આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી. બચાવ કાર્ય દરમિયાન એમ્બ્યુલન્સ અને ડોકટરોની ટીમ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. અધિકારીઓને ખાણમાંથી બચાવી લીધા બાદ તરત જ ડૉક્ટરોની દેખરેખ હેઠળ એમ્બ્યુલન્સમાં મૂકીને જયપુર લઈ જવામાં આવ્યા. ખાણની અંદર ફસાયેલા મોટાભાગના HCLના અધિકારીઓ હતા.
મંગળવારે મોડી રાત્રે SDRFની ટીમ કોલિહાન ખાણ પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ખાણના એક્ઝિટ ગેટ પર અડધો ડઝન એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. લિફ્ટ તૂટવાને કારણે હિંદુસ્તાન કોપર લિમિટેડના 14 અધિકારીઓ 1800 ફૂટથી વધુ ઉંડાણમાં ફસાયા હતા. લિફ્ટને ટેકો આપતું દોરડું તૂટવાને કારણે આ અકસ્માત થયો હતો.
ખાણની અંદર ફસાયેલા અધિકારીઓમાં KCC યુનિટ (ખેત્રી કોપર કોમ્પ્લેક્સ યુનિટ)ના ચીફ જીડી ગુપ્તા, દિલ્હીથી આવેલા ચીફ વિજિલન્સ ઓફિસર ઉપેન્દ્ર પાંડે, કોલિહાન ખાણના ડેપ્યુટી જનરલ મેનેજર એકે શર્મા સહિતના અધિકારીઓ ખાણમાં ફસાયા હતા.