કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતશાહ કાશ્મીરની મુલાકાતે છે. શુક્રવારે, તેઓ બે અલગ-અલગ બેઠકોમાં શ્રી અમરનાથ વાર્ષિક યાત્રાની તૈયારીઓ અને કાશ્મીરના સુરક્ષા પરિદ્રશ્યની સમીક્ષા કરશે. આ સાથે તેઓ ભાજપના કાર્યકરો સાથે પણ મુલાકાત કરશે. આ સિવાય તેમની જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના અધ્યક્ષ સૈયદ મોહમ્મદ અલ્તાફ બુખારી સાથે પણ મુલાકાત થવાની સંભાવના છે.
રુવારે કાશ્મીરની જમીની સ્થિતિનો તાગ મેળવવા શ્રીનગર પહોંચેલા અમિત શાહ વિવિધ જાહેર પ્રતિનિધિમંડળોને મળ્યા હતા. સાંજે લગભગ 6 વાગે સ્પેશિયલ ફ્લાઈટમાં શ્રીનગર પહોંચેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દાલ તળાવના કિનારે આવેલી હેરિટેજ હોટલમાં સ્થાનિક ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. બેઠકમાં, તેમણે કાશ્મીરના વર્તમાન રાજકીય પરિદ્રશ્યમાં ભાજપની ગતિવિધિઓનું મૂલ્યાંકન કર્યું અને બારામુલ્લા અને અનંતનાગ સંસદીય ક્ષેત્રોમાં મતદાનના સંદર્ભમાં પણ ચર્ચા કરી.
આ ઉપરાંત શીખ સમુદાય અને ગુર્જર-બકરવાલ સમુદાયના પ્રતિનિધિમંડળો પણ કેન્દ્રીય ગૃહમંત્રીને મળ્યા છે. ગૃહમંત્રીએ રાત્રે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે મુલાકાત કરી હતી. મોડી રાત સુધી બેઠકોનો સિલસિલો ચાલુ રહ્યો હતો. ભાજપે જમ્મુ અને લદ્દાખમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે પરંતુ તે કાશ્મીરની કોઈપણ બેઠક પર સીધી ચૂંટણી લડી રહી નથી. શાહે ભાજપના નેતાઓને સંદેશ આપ્યો છે કે તેઓ હવે વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દે.
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ અમિતશાહની કાશ્મીર મુલાકાતને લઈને સવાલ ઉઠાવ્યો હતો કે ગૃહમંત્રી શાહની કાશ્મીર મુલાકાત વિચિત્ર છે કારણ કે તેઓ દેશના અન્ય ભાગોમાં ચૂંટણી પ્રચાર છોડીને એવી જગ્યાએ આવ્યા છે જ્યાં ભાજપ ચૂંટણી લડી રહ્યો નથી. અબ્દુલ્લાએ એવો પણ દાવો કર્યો હતો કે કેન્દ્ર અને ભાજપ તેમની પાર્ટીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ જમ્મુ-કાશ્મીરના લોકો તેમની સાથે છે.