ભારત સહિત વિશ્વના દેશોમાં વધતી સમૃદ્ધિ વચ્ચે અમીરોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. 100 અબજ ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા ‘સુપર રીચ ક્લબ’માં સંખ્યા 15ની થઇ છે. એક વર્ષમાં સુપર રીચ ક્લબમાં સામેલ અમીર લોકોની સંપત્તિ 13 ટકા વધીને 2.2 ટ્રીલીયન ડોલર થઇ છે.
બ્લુમબર્ગ બીલીયોનર ઇન્ડેક્સમાં એવું સુચવાયું છે કે શેરબજાર તથા મોંઘવારી કરતાં પણ સુપર રીચ ધનવાનોની સંપત્તિમાં વધુ ઝડપી વધારો થઇ રહ્યો છે. વિશ્વમાં સૌથી વધુ 500 ધનવાનોની કુલ સંપત્તિમાં સુપર રીચનો હિસ્સો 25 ટકા જેવો ધરખમ છે. સુપર રીચ ક્લબમાં 15 લોકો સામેલ થયા છે અને અત્યાર સુધીનો આ સૌથી મોટો આંકડો છે.
100 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા અમીરોનો આંકડો અગાઉ પણ 15 પર પહોંચ્યો હતો પરંતુ આ વખતે પ્રથમવાર એવું બન્યું છે કે તમામની સંપત્તિ નોંધપાત્ર વધી છે. લોરીયલના મેયર્સ, ડેલ ટેકનોલોજીના માયકલ ડેલ તથા મેક્સીકન અબજોપતિ કારલોસ સ્લીમ છેલ્લા પાંચ મહિના દરમ્યાન આ ક્લબમાં પહોંચ્યા હતા પરંતુ ત્યારબાદ તેઓની સંપત્તિમાં ચડ-ઉતર થતી રહી હતી. કોસ્મેટીક કંપની લોરીયલની મહિલા સી.ઇ.ઓ. આ ક્લબમાં સામેલ થનારી પ્રથમ મહિલા બની છે. 101 અબજ ડોલરની સંપત્તિ સાથે ધનવાનોમાં 14મુ સ્થાન ધરાવે છે.
59 વર્ષીય માઇકલ ડેલની સંપત્તિ પણ 100 અબજ ડોલરને વધારી ગઇ છે. આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સના વધતા ટ્રેન્ડમાં કંપનીના ઇકવીપમેન્ટની ડીમાન્ડ વધવાના આશાવાદ હેઠળ ડેલ ટેકનોલોજીના શેરમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો અને શેરબજારનો રેકોર્ડ બ્રેક ઉંચાઇએ પહોંચી ગયો હતો. બ્લુમબર્ગ ઇન્ડેકસમાં 113 અબજ ડોલરની સંપત્તિ સાથે 11મું સ્થાન ધરાવે છે.
સુપર રીચ કલબમાં સામેલ થયેલા મેક્સીકન અબજોપતિ સ્લીમ 106 અબજ ડોલરની સંપતિ સાથે સૌથી વધુ ધનવાનોના લીસ્ટમાં 13માં ક્રમમાં છે. લેટીન અમેરિકામાં સૌથી વધુ અમીર એવા આ ઉદ્યોગપતિની સંપત્તિ 2023માં એક જ વર્ષમાં 28 અબજ ડોલર વધી છે. કન્ટ્રક્શનથી માંડીને રેસ્ટોરન્ટ, મોલ સુધીના વ્યાપાર ધરાવે છે. કેટલાક જુના નામો પણ આ કલબમાં ફરી વખત દાખલ થયા છે.
ભારતના ગૌત્તમ અદાણી ફરી વખત ક્લબમાં સામેલ થયા છે. 2023ના અમેરિકી રીસર્ચ કંપનીના રીપોર્ટ બાદ તેની સંપત્તિમાં મોટુ ગાબડુ પડ્યું હતું હવે તે ફરી અમીરોના લીસ્ટમાં સામેલ થઇ ગયા છે. આ સિવાય લકઝરી ગુડ્સ મેકર બર્નાલ્ડ આર્નોલ્ટ 222 અબજ ડોલરની સંપત્તિ સાથે ટોચ પર રહ્યા છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ 208 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. ટેસ્લાના એલોનમસ્ક 187 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. ચાલુ વર્ષે જો કે તેમની સંપત્તિમાં 40 અબજ ડોલરનો ઘટાડો થયો છે.