IPL 2024ની એલિમિનેટર મેચમાં RCBની હાર બાદ ટીમની સફર સમાપ્ત થઈ ગઈ છે. આ સાથે વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે પણ IPLમાંથી નિવૃત્તિ લેવાની તૈયારી કરી લીધી છે. દિનેશ કાર્તિકે ચેન્નાઈ સામેની મેચ દરમિયાન જ આ વાતની પુષ્ટિ કરી હતી. મેચ બાદ તેને તેના સાથી ખેલાડીઓ તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. દિનેશ કાર્તિકે પણ આ અભિવાદન સ્વીકાર્યું હતું.
દિનેશ કાર્તિકે તેની IPL કારકિર્દી 2008માં દિલ્હી ડેરડેવિલ્સ (દિલ્હી કેપિટલ્સ) સાથે શરૂ કરી હતી. 2010 સુધી દિલ્હી કેપિટલ્સ સાથેના તેના કાર્યકાળ પછી, તે 2011માં કિંગ્સ ઈલેવન પંજાબ (પંજાબ કિંગ્સ) સાથે જોડાયો હતો, ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સ (2012-13), દિલ્હી (2014), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (2015), ગુજરાત લાયન્સ (2016-17) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (2018-21) સાથે સંકળાયેલ છે. તે વર્ષ 2022માં પાછો RCBમાં જોડાયો હતો.
દિનેશ કાર્તિકે મુંબઈમાં રહીને 2013માં IPL ટાઈટલ જીત્યું હતું, જે આજ સુધી તેનું એકમાત્ર IPL ટાઈટલ છે. તે પોતાની કેપ્ટનશિપ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સને પ્લેઓફમાં પણ લઈ ગયો હતો. દિનેશ કાર્તિકે 257 IPL મેચ રમી છે. જેમાં તેણે 135.36ની સ્ટ્રાઈક રેટથી 4842 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 97 રહ્યો છે.