દિલ્હીની શાળાઓ, હોસ્પિટલો અને એરપોર્ટ બાદ હવે દિલ્હી યુનિવર્સિટી (DU)ની લેડી શ્રી રામ કોલેજને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, ડીયુની લેડી શ્રી રામ કોલેજને બોમ્બથી ઉડાવવાનો કોલ આવ્યો હતો, ત્યાર પછી ફાયર વિભાગની બે ગાડીઓને ઘટનાસ્થળ પર મોકલવામાં આવી હતી.
દિલ્હી પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ પણ સક્રિય થઈ ગઈ હતી. જો કે તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. આ મહિનાની 1 મે પછી 23 દિવસમાં બોમ્બની ધમકીની આ સાતમી ઘટના છે. આના એક દિવસ પહેલા બુધવારે ગૃહ મંત્રાલયને બોમ્બની ધમકી મળી હતી. આ મહિનાની શરૂઆતમાં, દિલ્હી-એનસીઆરમાં 100થી વધુ શાળાઓને સમાન ધમકીભર્યા ઇમેઇલ મળ્યા હતા. 8 દિવસ પહેલા પણ દિલ્હીની 7 મોટી હોસ્પિટલો અને દેશની સૌથી સુરક્ષિત જેલ તિહારમાં બોમ્બ બ્લાસ્ટના મેલ મોકલવામાં આવ્યા હતા. આ પહેલા પણ 10થી વધુ એરપોર્ટ પર આવી ધમકીઓ મળી ચુકી છે.