અમદાવાદ શહેરમાં આવેલી સાબરમતી સેન્ટ્રલ જેલમાં બે કેદીઓ વચ્ચે થયેલી બબાલમાં એક કેદીએ બીજા કેદીની હત્યા કરી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં 4 નંબરના યાર્ડમાં બડા ચક્કરમાં આફ્ટર બેરેકમાં હત્યાનો આ બનાવ બન્યો છે.
આજીવન કેદની સજા ભોગવી રહેલા અને આર્મીમાં લાન્સ નાયક રાચું ચૂકેલા કેદી ભરત પ્રજાપતિએ બીજા કેદીની હત્યા કરી છે. મરણજનાર કેદી કેશાજી પટેલ હત્યાના પ્રયાસના ગુનામાં જેલમાં 5 વર્ષની સજા ભોગવી રહ્યો હતો. આ બંને કેદીઓ વચ્ચે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી. ત્યારબાદ કેદી ભરત પ્રજાપતિએ દાઝ રાખીને ઈંટ મારીને બીજા કેદી પર હુમલો કરી તેની હત્યા કરી છે. કેદીઓ ન્હાવા સમયે બેસવા માટે જે ઈંટનો ઉપયોગ કરતા હતા એ ઈંટથી એક કેદીએ બીજા કેદીની હત્યા કરી છે. બનાવ અંગે રાણીપ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરત પ્રજાપતિ અગાઉ ભારતીય સેનામાં મધ્યપ્રદેશ ગ્વાલિયર ખાતે સિપાઈ તરીકે ફરજ બજાવતો હતો ત્યારે ફરજ દરમિયાન કોઈ વ્યક્તિનું ખૂન કરતા આર્મી કોર્ટ કર્નલ કમાન અધિકારી 20 ગ્રેનેડિયન્સ દ્વારા કેસ ચલાવી તેને આજીવન કેદની ગઈ તારીખ 6-07-2023ના રોજ સજા કરેલી હતી અને પાકા કામના કેદી તરીકે સાબરમતી જેલમાં 7-07-2023ના રોજ સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો. ત્યારબાદ જેલમાં આ ભરત પ્રજાપતિની એસ/17120 નંબરથી નોંધણી કરવામાં આવી હતી અને તેને છેલ્લા 10 માસથી સાબરમતી જેલમાં પાકા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો.
ગઈ તારીખ 13 જાન્યુઆરી 2024ના રોજ ભરત પ્રજાપતિને તેના સાથી પાકા કામના કેદી સાથે ઝઘડો તકરાર થતા તેણે માથામાં પથ્થર મારી દેતા કેદીને ઈજા થયેલ હતી. ભરત પ્રજાપતિ વિરુદ્ધ સલામતી ભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેના વિરુદ્ધ શિક્ષાનો હુકમ કરવામાં આવેલ હતો અને તેની બેરેક બદલી કરી બડા ચક્કર યાર્ડ નં.-4 આફ્ટર બેરેક ખાતે મુકવામાં આવ્યો હતો.