ચાલુ વર્ષે ગરમી અને હિટવેવે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર રાજસ્થાન નહીં પરંતુ દિલ્હી અને હરિયાણામાં પણ તાપમાનનો પારો પ0 ડિગ્રીને વટાવી જતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. દિલ્હીમાં આકાશમાંથી અગ્નિ વર્ષા થતી હોય હિટસ્ટ્રોકના કેસ પણ વધી ગયા છે.
આઇએમડીએ તા.30 મેના રોજ દિલ્હીમાં હિટવેવનું એલર્ટ જાહેર કર્યુ છે. તો રાજસ્થાનના ચુરૂમાં ગઇકાલે તાપમાન પ0.પ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. રાજસ્થાનના ચુરૂમાં તાપમાને ફિફટી લગાવ્યા બાદ હરિયાણાના સીરસામાં પણ પારો પ0 ડિગ્રીને ટચ કરી ગયો હતો. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, પંજાબ, છત્તીસગઢ, ઓરીસ્સામાં તાપમાન 47થી 49 ડિગ્રી ઉપર નોંધાયું હતું. તો પૂર્વોતર રાજયોમાં વરસાદ પડી રહ્યો છે.
ઉત્તર અને મધ્ય ભારતમાં પ્રચંડ ગરમીનું મોજુ હજુ ફરી રહ્યું છે. 14 વર્ષમાં પહેલી વખત ર8 મેનો દિવસ દિલ્હીમાં આટલો ગરમ રહ્યો છે. શહેરમાં પાણીની મુશ્કેલી વધી ગઇ છે. દિલ્હી રાજયના મુંગેશપુર અને નરેલામાં સૌથી વધુ 49.9 ડિગ્રી નોંધાયુ હતું. આ બાદ નફઝગઢમાં 49.8, ઝાફરપુરમાં 49.6, પુષા 49.પ, આયાનગર 49.6 અને રિજમાં 49.પ પર પારો નોંધાયો હતો. ન્યુનતમ તાપમાન ર8 ડિગ્રી આસપાસ રહે છે.
ગુરૂગ્રામમાં મંગળવારે 47 ડિગ્રી રેકોર્ડ તાપમાન નોંધાયુ હતું. અહીં 80 વર્ષનો રેકોર્ડ ગરમીએ તોડયો છે. આ પહેલા 1944માં પારો 47.ર ડિગ્રીએ પહોંચ્યો હતો. ઉતરપ્રદેશમાં હિટ સ્ટ્રોકથી ગઇકાલે વધુ 48 લોકોના મોત થયા છે. ઝાંસી અને બાંદામાં 49 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. કેન નદીનું પાણી ધગધગી ઉઠતા મોટી સંખ્યામાં માછલીના મોત થયા છે. બનારસમાં 47.6 ડિગ્રી સાથે 140 વર્ષનો રેકોર્ડ તુટયો છે.
દિલ્હી, રાજસ્થાન, હરિયાણામાં રાત્રે પણ લોકોને ઠંડક મળતી નથી. આ સંજોગોમાં હિટ સ્ટ્રોકથી બચવાની ગાઇડ લાઇન સતત જાહેર થઇ રહી છે.