લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલુ છે. આ મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલમાં ક્યા પક્ષને કેટલી બેઠક મળી શકે છે તે દર્શાવતા એક્ઝિટ પોલ શરૂ થઇ જશે. 2014ની લોકસભામાં ગુજરાતમાંથી ભાજપને 26માંથી 24, 2019માં 26માંથી 25 બેઠકનું અનુમાન મોટાભાગના એક્ઝિટ પોલમાં કરાયું હતું. તેના સ્થાને ભાજપે તમામ 26 બેઠકમાં વિજય મેળવ્યો હતો. આ જ રીતે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 150થી વધુ બેઠક મળશે તેવું માત્ર એક્ઝિટ પોલમાં અનુમાન કરાયું હતું.
2022ની વિધાનસભા ચૂંટણીની કરવામાં આવે તો એક્સિસ માય ઇન્ડિયામાં 129થી 151, સી વોટરમાં 128થી 140, મેટ્રિઝમાં 112-121, ચાણક્યમાં 150, જન કી બાતમાં 117થી 140, પી માર્કમાં 128થી 148, ઇટીજીમાં 135થી 145 બેઠક ભાજપને મળશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું. જેના સ્થાને ભાજપને 156, કોંગ્રેસને 17, આપને પાંચ અને અપક્ષને ચાર બેઠક મળી હતી. આ જ રીતે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 26માંથી 25 બેઠકનું અનુમાન મોટાભાગના એક્ઝિટ પોલમાં કરાયું હતું પરંતુ મોટાભાગના એક્ઝિટ પોલ સચોટ આકલનમાં નિષ્ફળ રહ્યા હતા.
સામાન્ય રીતે એક્ઝિટ પોલ 80થી 90 ટકા વચ્ચે સચોટ હોય છે. જોકે, એવું જરૂરી નથી કે આવું જ થતું આવે છે. કેટલાક કિસ્સાઓમાં આ અંદાજ ખોટા પડે છે. આશંકા હોય છે કે મતદારે કોને મત આપ્યો છે તેના વિશે સાચી જ માહિતી આપે. આ સિવાય ઓપિનિયન પોલ પછી, મતદારોને તેમનો અભિપ્રાય બદલવાનો સમય મળે છે અને અંતે તેઓ કોઇ બીજાને મત આપી શકે છે. જોકે, એક્ઝિટ પોલમાં મતદાન બાદ જ માહિતી અન્ય સમક્ષ રજૂ કરાય છે. 2004ની લોકસભા ચૂંટણીમાં પંચે કાયદા મંત્રાલયની મદદથી, લોકોના પ્રતિનિધિત્વ કાયદાની કલમ 126 (છ)માં સુધારો કર્યો હતો. જેના કારણે છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થાય તે પહેલા એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ સુધારાનો હેતુ એ હતો કે ચૂંટણીને કોઇ પણ રીતે પ્રભાવિત કરી શકાય નહીં.