લોકસભા ચૂંટણી 2024ના પરિણામમાં મોટી ઉલટફેર જોવા મળી છે. ચૂંટણી પહેલા ‘અબ કી બાર 400 પાર’ના નારા લગાવતા હતા પરંતુ માત્ર 292 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. જેમાં ભાજપને 240 બેઠકો મળી છે. બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનને મોટો ફાયદો થયો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે એનડીએ અને INDIAના પક્ષોની બેઠક મળી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાંથી શિવસેના (UBT) ચીફે પોતાની રણનીતિ બદલી છે. તેઓ આજે સાંજે દિલ્હીમાં યોજાનારી ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં સામેલ થયા નથી. પરિણામે રાજકીય ગલિયારોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, ઉદ્ધવ ઠાકરે ફરી એકવાર એનડીએમાં સામેલ થશે.
મહારાષ્ટ્રમાં ભાજપને માત્ર 9 બેઠકો મળી છે. જ્યારે 2019માં ભાજપે રાજ્યમાં 23 બેઠકો જીતી હતી. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શનની જવાબદારી લીધી છે અને રાજીનામું આપવાની રજૂઆત કરી છે. યુપી, મહારાષ્ટ્ર, બંગાળ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. શિવસેના (UBT)ના ‘ઈન્ડિયા’ ગઠબંધનમાં 9 સાંસદો સામેલ છે. જ્યારે એકનાથ શિંદેની શિવસેનાના સાત સાંસદો જીતીને સંસદમાં પહોંચવાના છે. જો બંને જૂથ ફરી એક થાય તો બંનેની પાસે 16 સાંસદો હશે. ચૂંટણીની શરૂઆત પહેલા જ ઉદ્ધવ ઠાકરેની વાપસીની અટકળો ચાલી રહી હતી.