પંજાબમાં બ્લૂ સ્ટારની વર્ષી હોવાથી સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. કેટલાક શિખ સંગઠનોએ ખાલસા માર્ચ કાઢવાની પણ જાહેરાત કરી છે. અમૃતસર પોલીસે સુરક્ષાની કડક વ્યવસ્થા કરી છે. આટલું જ નહીં કેટલાક સંગઠનોએ અમૃતસર બંધની પણ જાહેરાત કરી છે. શિખોના પવિત્ર સ્થળ સુવર્ણ મંદિરમાં ગુરૂવાર સવારે કેટલાક લોકોએ ખાલિસ્તાની જરનૈલ સિંહ ભિંડરાવાલાના પોસ્ટર લહેરાવ્યા હતા. ખાલિસ્તાની સમર્થક નારા પણ લગાવવામાં આવ્યા હતા. 1984માં થયેલા ઓપરેશન બ્લૂ સ્ટારની 40મી વર્ષી પર શિખ સમુદાયના કેટલાક લોકોએ આ નારા લગાવ્યા હતા.
સિવિલ ડ્રેસમાં શિખ પોલીસ કર્મચારીઓને શ્રી હરિમંદિર સાહિબની પરિક્રમા અને શ્રી અકાલ તખ્ત સાહિબની આસપાસ તૈનાત કરવામાં આવ્યા છે જે એસજીપીસીની ટાસ્ક ફોર્સ સાથે મળીને ફરજ નીભાવશે. મહત્ત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીમાં ખાલિસ્તાની અમૃતપાલ સિંહ ખડૂર સાહિબ બેઠક પરથી દોઢ લાખ મતથી જીતી ગયો છે. આ સિવાય પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીના હત્યારા બેઅંત સિંહનો પુત્ર સરબજીત સિંહ ખાલસાની પણ ફરીદકોટ બેઠક પરથી જીત થઇ છે
સ્થિતિ બગડવાની આશંકાને જોતા પોલીસે તમામ કર્મચારીઓની રજા રદ કરી નાખી છે. પંજાબ પોલીસના તમામ ટ્રેનિંગ સેન્ટરમાંથી 2 હજાર પોલીસ કર્મીઓને અમૃતસર બોલાવવામાં આવ્યા છે. આ સિવાય બોર્ડર રેન્જના જિલ્લા અમૃતસર ગ્રામીણ, તરનતારન, બટાલા, ગુરદાસપુર અને પઠાણકોટમાંથી પણ પોલીસ ફોર્સને અમૃતસર બોલાવવામાં આવી છે. પોલીસે ગોલ્ડન ટેમ્પલ તરફ જતા રસ્તા પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.