હવામાન વિભાગ દ્વારા આજથી આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસું બેસતું હોય છે. પરંતુ હાલમાં દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસી શકે છે.
ઉલ્લેખનીય છે કે, કેરળમાં આ વર્ષે ચોમાસુ બે દિવસ વહેલું બેસી ગયું છે. આથી ગુજરાતમાં પણ તેની શક્યતા વધી ગઈ છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસાનો વરસાદ સાથે આવી શકે છે. કારણ કે સાત દિવસ સુધીની આગાહી એટલે કે 12 જૂન સુધી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ચાલતી રહેશે. જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ચોમાસુ વહેલું બેસવાના પણ એંધાણ હવામાન વિભાગે આપ્યા છે.
ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે, આ વર્ષે ચોમાસુ વહેલું અને સારું રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ વર્ષે સમગ્ર દેશમા 106 ટકા જેટલો વરસાદ વરસે તેવી શક્યતા છે. આથી ગુજરાતમાં પણ આ વર્ષે સારો વરસાદ રહેવાની શક્યતા છે. જગતના તાતને તેમનો પાક બચાવવા પાણી માટે વલખાં મારવા પડશે નહીં. કારણ કે, આવશ્યક વરસાદ વરસે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વાતાવરણની આગાહી કરતા જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તાપમાન યથાવત્ રહેશે. ગુજરાતના મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાઈ શકે છે. જે હાલમાં સ્થિતિ છે તે આગામી પાંચ દિવસ યથાવત્ રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની શક્યતા છે. આ સાથે મેઘગર્જના પણ રહેશે. ત્યારબાદ ત્રીજા દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા છે. જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ 9 જૂનના રોજ ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.