પાટીલ કેન્દ્રીય મંત્રી બનતા હવે ગુજરાતમાં ભાજપનું સુકાન કોન સંભાળશે એ ચર્ચાએ જોર પકડ્યું છે. નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક ન થાય ત્યાં સુધી કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ નીમાઇ શકે છે. આ માટે હાલના ગુજરાત ભાજપના મહામંત્રી અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલ કાર્યકારી અધ્યક્ષની ભૂમિકામાં રહી શકે છે.
રજની પટેલ બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય છે અને આનંદીબેન પટેલની સરકારમાં 22 મે, 2014થી 7 ઓગસ્ટ, 2016 સુધી ગૃહ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. વર્ષ 2017ની ચૂંટણીમાં જ્યારે પાટીદાર આંદોલન ઉગ્ર બન્યું હતું એ સમયે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલ પોતાના મત વિસ્તાર બેચરાજીમાં કોંગ્રેસના ભરતજી ઠાકોર સામે 14 હજાર કરતાં વધુ મતથી હાર્યા હતા.
સી.આર.પાટીલે કેન્દ્રમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેનો હવાલો તેમણે છોડવો પડશે. આમ પણ તેમની ટર્મ પૂર્ણ તો થઈ જ છે પરંતુ વધારાનું એક વર્ષનું આપવામાં આવેલું એક્સટેન્શન પણ પૂર્ણતાના આરે છે ત્યારે તેમના સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે અનેક નામ ચર્ચામાં આવવા લાગ્યા છે.
અત્યાર સુધીનો ભાજપનો મોટાભાગનો ઇતિહાસ એમ કહી રહ્યો છે કે જ્યારે પણ પાટીદાર મુખ્યમંત્રી હોય તેવા સંજોગોમાં ક્ષત્રિય સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે ત્યારે જો આ વખતે પણ ક્ષત્રિય સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષ બનાવાય તો ભાજપના અનુભવી ચહેરામાંથી પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી ઈન્દ્રવિજયસિંહ જાડેજાના નામ પર કળશ ઢોળાઈ શકે છે.
ગાંધીનગર મનપાની નવી બોડી માટે યોજાનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુલતવી કરી
ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપની બોડીની અઢી વર્ષની મુદત પૂરી થતી હોવાથી આગામી સમયમાં નવી બોડી બનાવવા અંગેની ચર્ચા કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 10મી જૂને સોમવારે યોજાવાની હતી. જે એકાએક મુલતવી રાખીને 18 જૂને યોજવા માટેની સૂચના પ્રદેશ ભાજપમાંથી આપવામાં આવી છે ત્યારે આ બેઠક સંભવિત કાર્યકારી અધ્યક્ષ રજની પટેલના નેજા હેઠળ યોજાય તો નવાઇ નહી.