દેશમાં એનડીએ સરકાર સત્તામાં આવી છે અને પીએમ નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા સાથે શેરબજારે પણ સોમવારે મોદી 3.0ને સલામ કરીને ઈતિહાસ રચ્યો હતો. સપ્તાહના પહેલા દિવસે સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સે 323.64 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે પ્રથમ વખત 77,000ની સપાટીને પાર કરી હતી. તે 77,017ના સ્તરે ખુલ્યો હતો.
આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ બજાર ખુલતાની સાથે જ 105 પોઈન્ટ ઉછળ્યો હતો. ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે BSE સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 1618.85 પોઈન્ટ અથવા 2.16 ટકાના ઉછાળા સાથે 76,693.41 પર બંધ થયો.
શરૂઆતના વેપારમાં, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ કોર્પ, બજાજ ઓટો, કોલ ઈન્ડિયા અને શ્રીરામ ફાઈનાન્સના શેરમાં નિફ્ટી ઈન્ડેક્સમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. તેનાથી વિપરીત, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, ડૉ રેડ્ડીઝ લેબ્સ, એલટીઆઈ માઇન્ડટ્રી અને હિન્દાલ્કોના શેરમાં ઘટાડો નોંધાયો હતો.






