માલાવીના વાઇસ પ્રેસિડેન્ટ સાઉલોસ ચિલિમાને લઈ જતું પ્લેન ગુમ થઈ ગયું છે. આ પ્લેનમાં અન્ય નવ લોકો પણ સવાર હતા. અહેવાલ છે કે વાઇસ પ્રેસિડેન્ટ જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા તે માલાવી સંરક્ષણ દળનું વિમાન હતું. તેમનું વિમાન સોમવારે વહેલી સવારે રાજધાની લિલોંગવેથી ઉડાન ભર્યા બાદ રડારમાંથી ગાયબ થઈ ગયું હતું. આ માહિતી સામે આવ્યા બાદ માલાવીના રાષ્ટ્રપતિ કાર્યાલયે શોધ અને બચાવ કામગીરીનો આદેશ આપ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાઇસ પ્રેસિડેન્ટનું વિમાન સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગ્યા પછી દેશના ઉત્તરમાં આવેલા મઝુઝુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાનું હતું. જો કે, વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, જેના પગલે બચાવ કામગીરી ચાલી રહી છે. બીજી તરફ આ ઘટનાની જાણ થયા બાદ માલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરાએ બહામાસનો તેમનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું છે કે સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ થયા બાદ જ લોકોને આ ઘટના વિશે જાણ કરવામાં આવશે.
વાઇસ પ્રેસિડેન્ટ સાઉલોસ ચિલિમાની 2022 માં ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર સરકારી કોન્ટ્રાક્ટ આપવાના બદલામાં પૈસા લેવાનો આરોપ હતો. જોકે, ગયા મહિને કોર્ટે પુરાવાના અભાવે આરોપો ફગાવી દીધા હતા.