ભારતમાં પરંપરાગત તબીબી પ્રણાલીઓની પ્રથા ખૂબ જ મજબૂત છે. આયુષ – આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ, સોવા-રિગ્પા અને હોમિયોપેથી – આ છ મુખ્ય તબીબી પ્રણાલીઓ સમગ્ર દેશમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. સરકારી ડેટા અનુસાર, છેલ્લા એક વર્ષમાં, લગભગ ૪૬% ગ્રામીણ અને ૫૩્રુ શહેરી લોકોએ રોગોની રોકથામ અથવા સારવાર માટે આયુષ પદ્ધતિની મદદ લીધી છે. આમાં સૌથી વધુ લોકપ્રિય છે આયુર્વેદ. ગ્રામીણ વિસ્તારોમાં ૪૦.૫% અને શહેરોમાં ૪૫.૫્રુ લોકોએ સારવાર માટે આયુર્વેદની પસંદગી કરી.
આ સર્વે નેશનલ સેમ્પલ સર્વેના ૭૯મા રાઉન્ડનો ભાગ હતો. આ સર્વેક્ષણમાં સમગ્ર દેશને આવરી લેવામાં આવ્યો હતો, જેમાં ૧૮૧,૨૯૮ ઘરોમાંથી માહિતી એકત્ર કરવામાં આવી હતી, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં ૧૦૪,૧૯૫ અને શહેરી વિસ્તારોમાં ૭૭,૧૦૩નો સમાવેશ થાય છે. એક સર્વે મુજબ છેલ્લા એક વર્ષમાં આયુષનો ઉપયોગ કરનારા લોકોએ ઘણાં કારણો આપ્યા છે. આમાં સૌથી મહત્વની હતી – આયુર્વેદ જેવી પરંપરાગત દવાઓ વધુ અસરકારક, ઓછી આડઅસર, દર્દીની જરૂરિયાત મુજબ સારવાર મેળવવી અને અગાઉના સારા અનુભવો. સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે ભારતમાં, ૧૫ વર્ષથી વધુ ઉંમરના લગભગ ૯૫% ગામડાના લોકો આયુષ વિશે જાણે છે, જયારે શહેરોમાં આ આંકડો ૯૬% છે. એટલું જ નહીં, સરકારી અહેવાલો અનુસાર, ગ્રામીણ અને શહેરી ભારતમાં અનુક્રમે ૭૯% અને ૮૦% ઘરોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ ઔષધીય વનસ્પતિઓ અને ઘરગથ્થુ ઉપચારોનું જ્ઞાન ધરાવે છે.
સરકારી અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં લગભગ ૨૪% પરિવારોમાં, ઓછામાં ઓછી એક વ્યક્તિ લોક દવા અથવા સ્થાનિક સારવાર પદ્ધતિઓનું જ્ઞાન ધરાવે છે. આ માહિતી જુલાઈ ૨૦૨૨ થી જૂન ૨૦૨૩ દરમિયાન નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવેલા સમગ્ર ભારતમાં આયુષ પરના પ્રથમ સર્વેનો ભાગ છે.