પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે શુક્રવારે તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ચૂંટણી બાદ રાજ્યમાં ચાલી રહેલી હિંસા અંગે તેમણે કહ્યું હતું કે રાજ્યમાં અનેક જગ્યાએ મૃત્યુઆંક વધી રહ્યો છે અને રાજ્ય સરકાર હિંસાનો ભોગ બનેલા લોકોને રાજભવન સુધી આવવા દેતી નથી. બંગાળના મુખ્યમંત્રી બંધારણની અવગણના ન કરી શકે.
ગુરુવારે, પોલીસે ભાજપના નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી અને ચૂંટણી પછીની હિંસાનો ભોગ બનેલા લોકોને રાજભવન જતા અટકાવ્યા હતા. પોલીસ દ્વારા આ પાછળનું કારણ એ હતું કે રાજભવનની આસપાસ કલમ 144 લાગુ છે. રાજ્યપાલ બોસે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘મેં આ તમામ લોકોને રાજભવન આવવા અને મને મળવાની લેખિત મંજૂરી આપી હતી, તેમ છતાં તેમને રાજભવન આવતા અટકાવવામાં આવ્યા હતા. મને એ જાણીને આઘાત લાગ્યો છે કે આ તમામ લોકોને કેટલાક કારણો દર્શાવીને તેમના લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરતા અટકાવવામાં આવ્યા હતા.
રાજ્યપાલે કહ્યું, ‘મુખ્યમંત્રી બંધારણીય નિયમોનું ઉલ્લંઘન કરી શકે નહીં. હું સુનિશ્ચિત કરીશ કે સરકાર તેની જવાબદારી નિભાવે. રાજ્યમાં મોતનું તાંડવ ચાલી રહ્યું છે. પંચાયતની ચૂંટણી વખતે મેં મારી આંખે જોયું છે. હું રાજ્યમાં ઘણી જગ્યાએ ગયો હતો. આ ચૂંટણીઓમાં પણ હિંસા, હત્યા અને ધાકધમકીનાં અનેક મામલા સામે આવ્યા છે. આ ચાલુ રાખી શકાતું નથી.
તેમણે વધુમાં કહ્યું, ‘સૌથી ખરાબ વાત એ છે કે જ્યારે ગરીબ લોકો મને તેમની સમસ્યાઓ જણાવવા મને મળવા આવ્યા ત્યારે તેમને રોકવામાં આવ્યા. હું લોકોનો ગવર્નર બનવા માંગુ છું, તેથી હું લોકોને મળું છું, તેમની સાથે સમય વિતાવું છું. સરકારે પોતાની ફરજ નિભાવવી પડશે. જો સરકાર પોતાની જવાબદારી પૂરી નહીં કરે તો બંધારણે પોતાની ફરજ નિભાવવી પડશે.