ગેંગસ્ટર લોરેન્સ બિશનોઈએ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પાકિસ્તાનના ગેંગસ્ટર સાથે વીડિયો કોલમાં વાતચીત કર્યાનું સામે આવ્યું છે. બિશનોઈએ બકરી ઈદ નીમિતે પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટી સાથે વીડિયો કોલ કર્યો હતો લોરેન્સને સાબરમતી જેલમાં વિશેષ બેરેકમાં રાખવામાં આવ્યો છે.
આ ગેંગસ્ટર પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો અને કેવી રીતે તે પણ વેધક સવાલ છે. ગેંગસ્ટરનો વીડિયો વાયરલ થતા જેલ તંત્ર પર મોટા સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સાબરમતી જેલમાંથી મોબાઈલ ફોન પકડાઈ ચૂક્યા છે. લોરેન્સ બિશ્નોઈ લોકોની નજરમાં એ સમયે સામે આવ્યો હતો, તેણે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. થોડાક દિવસો પહેલા સલમાનના ઘરની બહાર ફાયરીંગ પણ થયું હતું. તો બીજી તરફ 29મે, 2022ના રોજ તેના સાગરિતોએ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી નાખી હતી.સિદ્ધુ મૂસેવાલાની હત્યાના થોડાક કલાકો પછી ગોલ્ડી બ્રાર અને બિશ્નોઈએ તેની હત્યાની જવાબદારી લીધી હતી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.