ગતરાત્રે દુબઇ જતી ફ્લાઇટમાં ચેકિંગમાં સીઆઇએસફ અને ડીઆરઆઇએ 1.48 લાખ ડોલર જપ્ત કર્યા હતા. ત્રણ યુવકો આ રકમ બેગમાં મૂકીને લઈ જઈ રહ્યા હતા ત્યારે ચેકિંગમાં પકડાયા હતા. તમામને મોડીરાત્રે જ બોન્ડ પર મુક્ત કરાયા હતા. છેલ્લાં બે વર્ષમાં ચલણી નોટને લગતો આ આઠમો કેસ છે અત્યાર સુધી 5 કરોડથી વધુની કરન્સી મળી છે. તમામે સ્વીકાર્યું કે, આ રૂપિયા તેઓ ધંધામાં રોકાણ માટે દુબઇ લઇ જઇ રહ્યા હતા. જોકે, એજન્સીઓને શંકા છે કે, હવાલાનો ખેલ પાડવા કે ગોલ્ડ ખરીદી માટે દોઢ લાખ ડોલર કે જે અંદાજે રૂપિયા સવા કરોડ થવા જાય છે તે દુબઇ લઇ જવાઇ રહ્યા હતા.
સુરત એરપોર્ટ પર હાલ ગોલ્ડ અને ડાયમંડ બાદ જાણે હવાલા રેકેટ પણ ચાલી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. ગુરુવારે ફ્લાઇટના ચેકિંગમાં 30થી 35 વર્ષની વયના 3 યુવકની બેગ ચેક કરાતા પેન્ટના ખિસ્સા, આંતરવસ્ત્રોમાં સંતાડી રાખેલા 1.48 લાખ ડોલર મળ્યા હતા. ડોલરની જપ્તી બાદ તમામને જવા દેવાયા હતા. ડીઆરઆઇના સૂત્રો કહે છે કે, વિદેશી નાગરિક હોય તો અગાઉથી કરેલી જાહેરાત મુજબ તે પાંચ હજાર ડોલર લઇ જઇ શકે છે, જો ભારતીય નાગરિક હોય તો તે સાડા સાત હજાર રૂપિયા લઇ જઇ શકે છે.
પુછપરછમાં જણાવ્યું હતું કે, તેઓ ધંધાર્થી છે અને ધંધાના વિસ્તરણ માટે દુબઇ જઇ રહ્યા છે. જોકે, આ રેકેટને હવાલા સાથે પણ સરખાવાઇ રહ્યો છે. દુબઇમાં હવાલો પાડવા અથવા તો સુરતનો હવાલો પુરો કરવા આ ડોલર લેવાયા હતા.