18મી લોકસભાનું પ્રથમ સંસદીય સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવવામાં આવશે. લોકસભાનું આ પ્રથમ સત્ર તોફાની બનવાની ધારણા છે, કારણ કે વિપક્ષ 26 જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી, NEET-UG અને UGC-NETમાં પેપર લીકના આક્ષેપો પર ચર્ચાની માંગ કરશે. તેમજ પ્રોટેમ સ્પીકરની નિમણૂક પર વિવાદના મુદ્દે વિપક્ષ સંસદ સત્રમાં એનડીએ સરકારને ઘેરી શકે છે.
સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભર્તૃહરિ મહતાબને લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવશે. આ પછી લોકસભાના નેતા મહતાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગૃહના સભ્ય તરીકે શપથ લેવડાવશે. વડાપ્રધાન મોદી શપથ ગ્રહણ કર્યા બાદ તેમનું મંત્રી મંડળ પણ શપથ લેશે.
જો કે, ઈન્ડિયા એલાયન્સના સાંસદો સાંસદોના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પ્રોટેમ સ્પીકરને મદદ કરવા માટે સ્પીકરની ખુરશીની નજીક બેસશે નહીં. કોંગ્રેસ અને ઈન્ડિયા બ્લોક પાર્ટીઓ નારાજ છે કે પરંપરા તોડીને 8 વખતના કોંગ્રેસના સાંસદ કે સુરેશની જગ્યાએ 7 વખતના ભાજપના સાંસદ ભ્રત્રીહરિ મહેતાબને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ 27 જૂને બંને ગૃહોને સંબોધિત કરશે
લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26 જૂને યોજાશે. 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 જુલાઈએ રાષ્ટ્રપતિના અભિભાષણના જવાબમાં લોકસભાને સંબોધિત કરશે. તેઓ બીજા દિવસે રાજ્યસભામાં પણ બોલશે. દરમિયાન, રાજ્યસભાનું 264મું સત્ર 27 જૂનથી 3 જુલાઈ, 2024 સુધી ચાલશે.