ઓમ બિરલા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે તેમને ધ્વની મત દ્વારા વિજેતા જાહેર કર્યા હતા. આ પહેલા ખુદ પીએમ મોદીએ તેમના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. PM મોદીએ કહ્યું- ગૃહ ભાગ્યશાળી છે કે તમે બીજી વખત આ બેઠક પર બેઠા છો. મારા વતી હું તમને અને આ સમગ્ર ગૃહને અભિનંદન આપું છું.
એનડીએ સ્પીકર ઉમેદવાર ઓમ બિરલાનો મુકાબલો કોંગ્રેસના સાંસદ કે. સુરેશ સામે હતો. ગઈ કાલે મંગળવારે 18મી લોકસભાના પ્રથમ સત્રનો બીજો દિવસ હતો. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શપથ બાદ જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. લોકસભા સ્પીકરને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ વધી ગયું છે. એનડીએના ઉમેદવાર ઓમ બિરલા સામે ઈન્ડિયા બ્લોકે પણ પોતાના ઉમેદવાર કે. સુરેશને ઉતાર્યા હતા.
સ્પીકર તરીકે ચૂંટાયા બાદ પીએમ મોદી ઓમ બિરલાને અભિનંદન આપવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધી પણ તેમની સાથે પહોંચ્યા હતા. રાહુલે બિરલાને અભિનંદન આપ્યા અને પછી પીએમ સાથે હાથ મિલાવ્યા.
મોદીએ કહ્યું, તમે ઈતિહાસ રચ્યો બલરામ જાખરને ફરી સ્પીકર બનવાની તક મળી હતી. હવે તમે જ છો, જે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરીને અહીં આવ્યા છો. મોટાભાગના સ્પીકર કાં તો ચૂંટણી લડ્યા નહોતા અથવા જીત્યા ન હતા. તમે જીતીને આવ્યા અને નવો ઈતિહાસ રચ્યો.
PMએ કહ્યું- ઓમ બિરલાના નેતૃત્વમાં જ અમે જૂની સંસદમાંથી નવી સંસદમાં એન્ટ્રી લીધી હતી. તેમણે સંસદના ડિજિટલાઇઝેશનમાં પણ ભૂમિકા ભજવી હતી. G20 દેશોના પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સ તમારા નેતૃત્વ હેઠળ થયું. દેશ માટે આ એક મોટી સિદ્ધી છે.
તમે અમને અમારો અવાજ ઉઠાવવાની તક આપશો- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ઓમ બિરલાને સ્પીકર તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું- આ ગૃહ દેશની જનતાનો અવાજ છે. સરકાર પાસે રાજકીય સત્તા છે. પરંતુ વિપક્ષ પણ જનતાનો અવાજ છે. જનતામાં વિશ્વાસ જળવાઈ રહે તે જરૂરી છે. મને વિશ્વાસ છે કે તમે અમને અમારો અવાજ ઉઠાવવાની તક આપશો. સવાલ એ છે કે જનતાના અવાજને અહીં કેટલી તક મળે છે.