રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં ધમાકેદાર દેખાવ કર્યો છે અને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમે સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડની ટીમને 68 રને હરાવ્યું હતું. આ સાથે 2 વર્ષ જૂનો બદલો લઈ લીધો છે. ભારતની શાનદાર બોલિંગ સામે ઈંગ્લેન્ડની ટીમ 103 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ઈન્ડિયાએ આ મેચ 68 રને જીતીને સેમિફાઈનલ પોતાના નામે કરી હતી. જીતની સાથે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે અને શનિવારે 29 જૂને બાર્બાડોસમાં દ.આફ્રિકા સામે ટકરાશે.
ભારતીય સ્પિન બોલરોએ અંગ્રેજોને કોઈ તક આપી ન હતી. હેરી બ્રુકે 25, કેપ્ટન જોસ બટલરે 23, જોફ્રા આર્ચરે 21 અને લિયામ લિવિંગસ્ટોને 11 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. બીજી તરફ સ્પિનર કુલદીપ યાદવ અને અક્ષર પટેલે 3-3 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહને 2 સફળતા મળી.
કેપ્ટન રોહિત શર્માની 36 બોલમાં ફિફ્ટી
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 7 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 36 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તેણે 39 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 2 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. જ્યારે સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 47 રન બનાવ્યા હતા. આ સિવાય હાર્દિક પંડ્યાએ 13 બોલમાં 23 રનની ઇનિંગ રમી હતી. અંતમાં રવિન્દ્ર જાડેજાએ 9 બોલમાં અણનમ 17 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે રીસ ટોપલી, જોફ્રા આર્ચર, સેમ કુરાન અને આદિલ રશીદે 1-1 વિકેટ લીધી હતી.
અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ
ભારત તરફથી અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કરતા પહેલા બેટિંગમાં પણ જ્યારે જરૂર હતી ત્યારે મહત્ત્વના 10 રન જોડ્યા હતા. જ્યારે બોલિંગમાં પણ બટલર, મોઈન અલી અને બેયરસ્ટોની મહત્વની 3 વિકેટો ઝડપી હતી. જેના પરિણામે અક્ષરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.