AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો છે કે, તેમના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો .કોઈ અજાણ્યા વ્યક્તિએ ઘર પર કાળી શાહી ફેંકી હતી. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. AIMIMના વડાએ લખ્યું કે, ” કેટલાક અજાણ્યા બદમાશોએ મારા ઘર પર કાળી શાહી ફેંકી હતી. હવે મારા દિલ્હીના ઘરને કેટલી વાર નિશાન બનાવવામાં આવ્યું તેની ગણતરી હું ભૂલી ચૂક્યો છું. જ્યારે મેં દિલ્હી પોલીસના અધિકારીઓને પૂછ્યું કે તમારા નાક નીચે આવું બધું કેવી રીતે થઇ રહ્યું છે તો તેમણે પોતાની લાચારી વ્યક્ત કરી.”
ગૃહમંત્રી પર પ્રહાર કરતા અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યું કે, “અમિત શાહ, આ બધું તમારી નજર હેઠળ થઈ રહ્યું છે. ઓમ બિરલા, કૃપા કરીને અમને કહો કે સાંસદોની સુરક્ષાની ખાતરી આપવામાં આવશે કે નહીં. મારા ઘરને નિશાન બનાવી રહેલા બે પૈસાના ગુંડાઓથી મને ડર લાગતો નથી. સાવરકર જેવી કાયરતાપૂર્ણ ક્રિયાઓ બંધ કરો અને શાહી ફેંકીને અથવા પથ્થર ફેંકીને ભાગશો નહીં.”