મુંબઈના મલાડ વિસ્તારમાં થોડા દિવસો પહેલા ઓનલાઈન ઓર્ડર કરાયેલ આઈસ્ક્રીમ કોનની અંદરથી મળી આવેલી આંગળીના મામલામાં માહિતી સામે આવી છે. ડીએનએ ટેસ્ટમાં જાણવા મળ્યું કે આંગળી ઈન્દાપુરમાં આઈસ્ક્રીમ ફેક્ટરીના કર્મચારીની છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ફોરેન્સિક લેબ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આંગળી અને આઈસ્ક્રીમ ફેક્ટરીના કર્મચારી ઓમકાર પોટેનો ડીએનએ એક જ છે.
“ઈન્દાપુર ફેક્ટરીમાં આઈસ્ક્રીમ ભરવાની પ્રક્રિયા દરમિયાન પોટેની વચ્ચેની આંગળીનો એક ભાગ કપાઈ ગયો હતો. બાદમાં તે મલાડના એક ડૉક્ટર દ્વારા મંગાવેલા આઈસ્ક્રીમ કોનમાં મળી આવ્યો હતો.” આ ઘટના 12 જૂન, 2024ના રોજ પ્રકાશમાં આવી હતી. ડૉ. બ્રેન્ડન ફેરાઓની બહેને તરત જ પોલીસને આ બાબતે જાણ કરી અને પોલીસ સ્ટેશન જઈને આઈસ્ક્રીમ કોન પોલીસને સોંપ્યો. પોલીસે તેમની પ્રાથમિક તપાસમાં આઈસ્ક્રીમમાં માનવ આંગળી હોવાનું પણ કબૂલ્યું હતું. પોલીસે આંગળીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી હતી અને યામ્મો આઈસ્ક્રીમ કંપની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.