દેશમાં લગભગ ૮૦% જાહેર આરોગ્ય સુવિધાઓ નિર્ધારિત ધોરણો મુજબ નથી. આ ચોંકાવનારો ઘટસ્ફોટ કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ સ્વ-મૂલ્યાંકન કવાયતમાં થયો છે. આ એક્સાઇઝમાં નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી માહિતી માંગવામાં આવી હતી. કેન્દ્રને જાહેર આરોગ્ય સુવિધા હેઠળ ઉપલબ્ધ ડોકટરો, નર્સો અથવા મૂળભૂત તબીબી સાધનોની વિગતો ભરવા માટે કહેવામાં આવ્યું હતું. ૮૦ ટકા જાહેર આરોગ્ય સુવિધાઓ ખાડે ગઇ છે. માળખાકીય સુવિધાઓ, સાધનો, મેનપાવર વગેરે નિર્ધારિત માપદંડ પ્રમાણેના નથી.
હવે કેન્દ્ર સરકારનો ટાર્ગેટ ૧૦૦ દિવસમાં ૭૦ હજાર સુવિધાઓને નિર્ધારિત ધોરણોવાળી બનાવવાનો છે. આ માટે કેન્દ્ર સરકારની ટીમ ઓચિંતી તપાસ કરશે. રાષ્ટ્રીય આરોગ્ય મિશન આરોગ્ય સુવિધાઓ પર ૬૦% ખર્ચ ઉઠાવે છે જયારે બાકીના ૪૦્રુ રાજય સરકારો ભોગવે છે.
જિલ્લા હોસ્પિટલો, ઉપ-જિલ્લા હોસ્પિટલો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન આરોગ્ય મંદિર (અગાઉના પેટા આરોગ્ય કેન્દ્રો) સહિત ૨ લાખથી વધુ જાહેર આરોગ્ય સુવિધાઓ રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ આવે છે. તેમાંથી, ભારતીય જાહેર આરોગ્ય ધોરણો ડેશબોર્ડ પર સરકાર દ્વારા શેર કરાયેલ ડેટા દર્શાવે છે કે ૪૦૪૫૧ એ આરોગ્ય મંત્રાલય દ્વારા માંગવામાં આવેલી માહિતી પ્રદાન કરી છે.
જયારે ડેટાના આધારે સ્કોરિંગ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે માત્ર ૮૦૮૯ એટલે કે લગભગ ૨૦% સુવિધાઓએ ૮૦% કે તેથી વધુ સ્કોર કર્યો, જે IPHS ધોરણ માટે જરૂરી છે. આ ઉપરાંત, સ્વ-મૂલ્યાંકન કવાયતમાં ભાગ લેનાર કુલ ૧૭૧૯૦ એટલે કે ૪૨% સુવિધાઓએ ૫૦% કરતા ઓછો સ્કોર મેળવ્યો હતો, જયારે બાકીની ૧૫૧૭૨ સુવિધાઓએ ૫૦ થી ૮૦%ની વચ્ચે સ્કોર કર્યો હતો. આ વિગતો સાર્વજનિક ડોમેનમાં શેર કરવામાં આવી છે.
ડેટાના સંદર્ભમાં, આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય સુવિધાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાધનસામગ્રી અને માનવ સંસાધનોના જરૂરી ધોરણો જાળવી રાખે છે તેની ખાતરી કરવા માટે સ્વ-મૂલ્યાંકન અને તેનું વાસ્તવિક સમયનું નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર નવી સરકારની રચનાના પ્રથમ ૧૦૦ દિવસમાં ૭૦,૦૦૦ આરોગ્ય સંસ્થાઓને IPHS અનુરૂપ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.
આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ સ્વ-મૂલ્યાંકન કવાયતનો હેતુ ખામીઓને ઓળખવાનો હતો જેથી કરીને લોકોને પૂરી પાડવામાં આવતી સેવાની ગુણવત્તામાં સુધારો કરી શકાય. તેમણે કહ્યું કે આ પહેલું પગલું છે. અધિકારીએ જણાવ્યું હતું કે નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ આકારણી જીલ્લા હોસ્પિટલો, ઉપ-જિલ્લા હોસ્પિટલો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે શારીરિક રીતે હાથ ધરવામાં આવશે. અધિકારીએ કહ્યું કે આયુષ્માન આરોગ્ય મંદિર માટે વર્ચ્યુઅલ એસેસમેન્ટની નવી જોગવાઈ રજૂ કરવામાં આવી છે, જે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ સૌથી વધુ સંખ્યામાં જાહેર આરોગ્ય સુવિધાઓનું નિર્માણ કરે છે.