પશ્ચિમ બંગાળમાં વધુ એક મહિલા સાથે બર્બરતાની ઘટના સામે આવી છે. આ મહિલા ભાજપના લઘુમતી મોરચાની ઉપાધ્યક્ષ છે.ઘટનાને લઇ ફરી એકવાર રાજકીય હંગામો શરુ થઇ ગયો છે. ભાજપે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને પત્ર લખીને ઘટનાની તપાસ માટે તેની ટીમ રાજ્યમાં મોકલવા જણાવ્યું છે. સાથે જ ટીએમસીએ ભાજપ પર સંકીર્ણ રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસનું કહેવું છે કે ખોટી માહિતી આપીને મામલાને સાંપ્રદાયિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે તે પારિવારિક વિવાદ હતો.
કૂચ બિહારની એમજેએન હોસ્પિટલમાં પીડિતાએ જણાવ્યું કે ટીએમસી મહિલાઓએ તેને નિર્વસ્ત્ર કરીને પાણીમાં ડુબાડવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે જો તે ટીએમસીમાં નહીં જોડાય તો તેને વધુ હેરાન કરવામાં આવશે. જ્યારે હું બેભાન થઈ ગઈ ત્યારે મને મુક્ત કરવામાં આવી. તેઓ ચોથી જૂનથી મને નિશાન બનાવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે ત્રણ મહિલાઓ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાના બનેવીની પણ પણ ફોટોગ્રાફ લેવા અને અફવા ફેલાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે કહ્યું કે, એવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે મહિલાને નિર્વસ્ત્ર કરીને મારવામાં આવી હતી અને તેની પાછળ રાજકીય હેતુ હતો. ઘટનાને સાંપ્રદાયિક અને રાજકીય રંગ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે. પોલીસે જણાવ્યું કે પીડિતા અને ગામની મહિલાઓ વચ્ચે અગાઉ કોઈ વિવાદના કારણે ઝઘડો થયો હતો. મારામારીના કારણે પીડિતાના કપડા ફાટી ગયા હતા.