ટીમ ઈન્ડિયાએ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪નો ખિતાબ જીત્યા બાદ BCCIએ ૧૨૫ કરોડ રૂપિયાની મોટી ઈનામી રકમની જાહેરાત કરી હતી. બીસીસીઆઈએ તે સમયે સ્પષ્ટ કર્યું હતું કે આ ઈનામની રકમ સપોર્ટ સ્ટાફ અને પસંદગીકારોની સાથે ખેલાડીઓમાં વહેંચવામાં આવશે. જો કે, ચાહકો અનુમાન લગાવી શક્યા ન હતા કે આ ઈનામની રકમ કેવી રીતે વહેંચવામાં આવશે. તો હવે આ અંગેની માહિતી પણ સામે આવી રહી છે.
ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાં સામેલ ૧૫ ખેલાડીઓ સહિત કોચ રાહુલ દ્રવિડને સૌથી વધુ ૫-૫ કરોડ રૂપિયા મળશે. રિંકુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન અને શુભમન ગિલ સહિતના રિઝર્વ ખેલાડીઓને પણ પૈસા મળશે. રિપોર્ટમાં જણાવાયું છે કે ખેલાડીઓ સિવાય, ટીમના કોર કોચિંગ સ્ટાફમાં પ્રત્યેકને ૨.૫ કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવશે, જેમાં બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બરેનો સમાવેશ થાય છે. તે જ સમયે, આ ટીમની પસંદગી કરનાર અજીત અગરકરની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિમાં સામેલ ૫ પસંદગીકારોને ૧-૧ કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
આ ઈનામી રકમમાં બેકરૂમના બાકીના સ્ટાફનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણ ફિઝિયોથેરાપિસ્ટ, ત્રણ થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ, બે માલિશ કરનારા અને સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચ પ્રત્યેકને ૨ કરોડ રૂપિયા મળશે.ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સહિત કુલ ૪૨ લોકો વ્૨૦ વર્લ્ડ કપ રમવા ગયા હતા. જાણવા મળ્યું છે કે ટીમના વીડિયો એનાલિસ્ટ, ટીમ સાથે પ્રવાસ કરી રહેલા BCCI સ્ટાફ મેમ્બર્સ, મીડિયા ઓફિસર સહિત ટીમના લોજિસ્ટિક્સ મેનેજરને પણ આ એવોર્ડ આપવામાં આવશે.
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને બીસીસીઆઈ તરફથી મળવાની ઈનામની રકમ વિશે જાણ કરવામાં આવી છે અને અમે દરેકને બીલ જમા કરવા કહ્યું છે.’ અમે તમને જણાવી દઈએ કે, ત્રણ ફિઝિયોથેરાપિસ્ટ છે કમલેશ જૈન, યોગેશ પરમાર અને તુલસીરામ યુવરાજ; ત્રણ થ્રોડાઉન નિષ્ણાતો રાઘવેન્દ્ર દાવગી, નુવાન ઉડેન્કે અને દયાનંદ ગરાણી છે અને બે માલિશ કરનારા રાજીવ કુમાર અને અરૂણ કનાડે છે. સોહમ દેસાઈ સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ છે.