આંતરરાષ્ટ્રીય મંદીની સીધી અસર સુરત હીરા ઉદ્યોગ પર પડી રહી છે ત્યારે સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલના એક નિવેદનથી હીરા ઉદ્યોગમાં વિવાદ સર્જાયો છે. લાલજી પટેલ કહે છે કે, કોઈપણ રત્ન કલાકાર ઘરે બેસ્યો નથી બીજી બાજુ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું છે કે, 25 વર્ષમાં આવી મંદીની સ્થિતિ જોઈ નથી. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એક વર્ષમાં 45 જેટલા રત્ન કલાકારો આર્થિક સંકળામણના કારણે આપઘાત કરી ચૂક્યા છે.
સુરત ડાયમંડ ઉદ્યોગમાં હાલ મંદીને લઈ ચિંતા જોવા મળી રહી છે. સુરત ડાયમંડ એસોસિએશને આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં જાણકારી આપી છે. સાથોસાથ જણાવ્યું છે કે, ઉદ્યોગ માટે તેમજ રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવે. એસોસિએશને જણાવ્યા મુજબ આવી મંદી 25 વર્ષમાં જોવા મળી નથી પરંતુ, તેનાથી વિપરીત સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજી પટેલના નિવેદનથી હાલ રત્ન કલાકારોમાં ભારે રોષ ફેલાયો છે. તેઓએ જણાવ્યું હતું કે, કોઈ રત્નકલાકાર બેકાર નથી. તેમના આ નિવેદનથી ડાયમંડ વર્કર યુનિયન લાલધૂમ જોવા મળી રહ્યો છે. યુનિયને જણાવ્યું છે કે, છેલ્લા એક વર્ષ 45 જેટલા રત્ન કલાકારો આપઘાત કરી ચૂક્યા છે. હાલ મંદીના કારણે ઇન્ડસ્ટ્રીઝ 20 ટકા રત્ન કલાકારોના પગારમાં કાપ મૂકવામાં આવ્યો છે.
બીજી બાજુ ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઈએ જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં આવી સ્થિતિ નથી. રત્ન કલાકારો કોઈ બેકાર નથી. રિયલનો પણ ધંધો છે અને લેબગ્રોનનો પણ ધંધો છે. કોઈ રત્ન કલાકાર ઘરે બેસ્યો હોય એવો કોઈ દાખલો જ નથી.





