ઝિમ્બાબ્વેને તેના જ ઘરમાં હરાવ્યા બાદ હવે ભારતીય ટીમની આગામી મિશન શ્રીલંકા છે. શ્રીલંકાના પ્રવાસમાં ભારતીય ટીમે 3 મેચની વનડે અને 3 મેચની ટી20 સિરીઝ રમવાની છે. આ પ્રવાસ માટે આજે ભારતીય ટીમની જાહેરાત થઈ શકે છે. આ પ્રવાસમાં નવા હેડ કોચ ગૌતમ ગંભીર બંને સિરીઝમાં નવી ઓપનિંગ જોડી અજમાવશે.
રોહિત શર્માની કપ્તાની હેઠળ, ભારતીય ટીમે ગયા મહિને એટલે કે જૂનમાં T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો. આ પછી, શુભમન ગિલની કેપ્ટન્સીમાં, ભારતીય ટીમે તાજેતરમાં ઝિમ્બાબ્વેને તેના જ ઘરમાં 5 મેચની T20 શ્રેણીમાં 4-1થી હરાવ્યું છે. હવે ભારતીય ટીમનું આગામી મિશન શ્રીલંકા પ્રવાસ છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ 3 મેચની વનડે અને 3 મેચની ટી20 સીરીઝ રમવાની છે. આ બંને સિરીઝનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. હવે આ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત થવાની બાકી છે.
શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની આજે જાહેરાત થઈ શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી આ પ્રવાસ પર નહીં જાય અને આરામ લેશે. એવામાં શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય T20 ટીમની કપ્તાની હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી શકે છે. જ્યારે ODIની કમાન કેએલ રાહુલને આપવામાં આવી શકે છે. પરંતુ આ બધા વચ્ચે સૌથી મોટી વાત ભારત માટે નવી ઓપનિંગ જોડી શોધવાની પણ છે.
ઝિમ્બાબ્વે પ્રવાસ પર પહેલી બે T20 મેચમાં શુભમન ગિલ સાથે અભિષેક શર્માએ ઓપનિંગ કરી હતી. અભિષેકે બીજી મેચમાં સદી ફટકારી હતી. જોકે સિરીઝની છેલ્લી 3 મેચમાં યશસ્વી જયસ્વાલને ગિલની સાથે ઓપનિંગ માટે મોકલવામાં આવ્યો. અહીં યશસ્વીએ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે ત્રણેય મેચમાં 36, 93 અણનમ અને 12 રન બનાવ્યા હતા. પરંતુ હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શુભમન ગિલને શ્રીલંકા સામેની ટી20 ટીમમાં જગ્યા નહીં મળે. એવામાં શ્રીલંકા સામેની ટી20 સિરીઝમાં નવા હેડ કોચ ગૌતમ ગંભીર યશસ્વી જયસ્વાલને અભિષેક શર્માની સાથે ઓપનિંગ કરવા મોકલી શકે છે. આ સિવાય ઋતુરાજ ગાયકવાડ અને સાઈ સુદર્શન પણ ટી20માં ઓપનિંગ કરવાના પ્રબળ દાવેદાર છે. જ્યારે ગિલ ODIમાં પ્રબળ દાવેદાર હશે. જ્યારે અભિષેકને બહાર કરી શકાય છે. એવામાં યશસ્વીને શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં ગિલની સાથે મોકલવામાં આવી શકે છે. આ સિવાય કેએલ રાહુલને પણ ODIમાં ઓપનિંગમાં મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.