દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદે જોર પકડ્યું છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં વરસાદી પાણીએ રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ગુજરાતના ઘણા જિલ્લાઓમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશ, બિહાર અને આસામની ઘણી નદીઓ વહેતી થઇ ગઇ છે. ઉત્તર પ્રદેશ અને આસામના ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આસામમાં પરિસ્થિતિથી સતત ખરાબ થઇ રહી છે. અહીં 1300 થી વધુ ગામો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. પૂરના કારણે 100થી વધુ લોકોના મોત થયા છે.
આસામમાં પૂરના કારણે 1,342 ગામો ડૂબી ગયા છે. 25,367.61 હેક્ટર પાક વિસ્તારને નુકસાન થયું છે. રાજ્યની બ્રહ્મપુત્રા નદી નિમતીઘાટ, તેજપુર અને ધુબરીમાં ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આસામમાં પૂરના કારણે 109 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે રાપ્તી નદીના જળસ્તરમાં વધારો થયો છે. ગોરખપુરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગોરખપુર ઉપરાંત હરદોઈની ગારા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. હરદોઈના લગભગ 150 ગામો પૂરના પાણીમાં ડૂબી ગયા છે. ગ્રામજનોને ઘરવખરીનો સામાન લઈને ઊંચાઈવાળા રસ્તાઓ પર રહેવાની ફરજ પડી છે.