ઈન્ડીયન નેવી ફરી એક વાર દેવદૂત બનીને ભારતીયોના બચાવમાં દોડી આવી હતી. સોમવારે ઓમાનના દરિયામાં કોમોરોસ ફ્લેગવાળું ઓઈલ ટેન્કર પલટી ખાઈ ગયું હતું આ ટેન્કર પર 16 ક્રૂ મેમ્બરો સવાર હતા જેમાંથી 13 ભારતીયો છે. સૂત્રોએ જણાવ્યું કે 8 ભારતીય ખલાસીઓને બચાવી લેવાયાં છે અને 1 શ્રીલંકાનો નાગરિક છે. બાકીના સભ્યો વિશે હાલમાં કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
માહિતી મળતાં ઈન્ડીયન નેવીએ ઓપરેશન શરુ કર્યું હતું. MT ફાલ્કન પ્રેસ્ટિજે ઓમાનના દરિયાકાંઠે એક ડિસ્ટ્રેસ કોલ મોકલ્યો હતો. અકસ્માત બાદ ઓમાની સેન્ટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્રેસ્ટિજ ફાલ્કન નામના ટેન્કરના ક્રૂમાં 13 ભારતીય અને ત્રણ શ્રીલંકાના નાગરિકો સામેલ છે. LSEG શિપિંગ ડેટા દર્શાવે છે કે ટેન્કર યમનના એડન બંદર તરફ જતું હતું જ્યારે તે ઓમાનના મુખ્ય ઔદ્યોગિક બંદર Duqm નજીક પલટી ગયું હતું. આ જહાજ 117 મીટર લાંબુ ઓઇલ પ્રોડક્ટ ટેન્કર છે જે 2007માં બનાવવામાં આવ્યું હતું. આવા નાના ટેન્કરોનો ઉપયોગ સામાન્ય રીતે ટૂંકી દરિયાકાંઠાની યાત્રાઓ માટે થાય છે.