જમ્મુ-કાશ્મીરના ડોડા વિસ્તારમાં ગુરુવારે સવારે ફરી અથડામણ શરૂ થઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે ડોડાના કાસ્તીગઢ વિસ્તારમાં ઓપરેશન ચાલી રહ્યું છે. ડોડામાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોના ઓપરેશનનો આજે ચોથો દિવસ છે.
84 દિવસમાં 10 આતંકવાદી હુમલામાં 12 જવાનના બલિદાન પછી સેનાએ જમ્મુ વિસ્તારમાં સૌથી મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સૈન્યનાં સૂત્રોના કહેવા પ્રમાણે આ એન્ટિ-ટેરરિસ્ટ ઓપરેશનમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના 7000 જવાન, 8 ડ્રોન, હૅલિકોપ્ટરો, 40 જેટલા સ્નીફર ડૉગ તૈનાત કરાયા છે.
જવાનોમાં મોટા ભાગના રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલીસના સ્પેશિયલ કમાન્ડો છે. જવાનોને ડોડા અને કઠુઆ જિલ્લાની પીર પંજાલ શ્રેણીનાં જંગલોમાં ઉતારાયા છે. અહીં 5 લોકેશન નક્કી કરાયાં છે, જે 1,291 ચોરસ મીટરનાં જંગલમાં આવેલાં છે. સુરક્ષાદળોને અહીં ડોડા અને ડેસા જંગલમાં સેના સાથે અથડામણ થઈ હતી, એ સહિત 24 જેટલા આતંકવાદીઓની હાજરી હોવાની કડી મળી છે. આ અથડામણમાં 5 જવાન શહીદ થયા હતા. હવે સેનાએ આ વિસ્તારમાં આતંકવાદીઓનો સફાયો કરવાનું ઓપરેશન શરૂ કર્યું છે.
જમ્મુ-કાશ્મીર પોલીસના એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે ડોડા અને કઠુઆ 5 મહિનથી આતંકવાદના એપીસેન્ટર બન્યા છે. કઠુઆના બદનોટાથી ડોડાના ધારી ગોટે અને બગ્ગી સુધીના અંદાજે 250 કિમીમાં આતંકવાદીઓ સંતાયા હોવાના પુરાવા મળ્યા છે. અહીં 20 વર્ગ કિમીનો એક મોટો વિસ્તાર છે, જ્યાંથી આતંકવાદીઓ સરળતાથી પર્વતો ચઢીને હુમલો કરે છે. આથી આ પર્વતોની ટોચ પર જંગી દારૂગોળા સાથે તૈનાત કરાયા છે.