છેલ્લા અઠવાડીયાથી ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. હાલ ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે વાઇરસ હવે અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં પણ બેકાબૂ બનવાની તૈયારી કરી રહ્યો છે. રાજ્યમાં ચાંદીપુરાના કુલ કેસ 35 અને મૃત્યુઆંક વધીને 21 થયો છે. અત્યારસુધી આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી, પણ હવે અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં પણ જોવા મળી રહી છે.
રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે. અત્યારસુધી આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી, પણ હવે અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં પણ જોવા મળી રહી છે. વાઇરસનાં સેમ્પલ ટેસ્ટિંગ અંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાઇરસનાં સેમ્પલનું ટેસ્ટિંગ હવે GBRC(ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર)માં થશે. સેમ્પલને પુણે મોકલવાં નહીં પડે અને ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થઈ જશે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલની રોગચાળા અને વરસાદની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રિવ્યૂ કરવામાં આવ્યો છે. ચાંદીપુરાના 29 સસ્પેક્ટેડ કેસ જોવા મળ્યા છે, જેમાં 15નાં મોત થયાં છે. મોટે ભાગે 4 વર્ષથી 14 વર્ષ સુધીનાં બાળકોમાં આ પ્રમાણ જોવા મળ્યું છે. પરીક્ષણ માટે પુણે સેમ્પલ મોકલ્યા છે. 7માંથી 1 જ કન્ફર્મ ચાંદીપુરા વાઇરસનો કેસ જોવા મળ્યો છે. રાજ્યના તમામ જિલ્લામાં અધિકારીઓને સૂચના આપી પગલાં લેવા માટે કહેવાયું છે. રેતીની માખી જ્યાં એનું ઘર બની રહે ત્યાં દવાનો છંટકાવ કરવા ટીમોને કામે લગાવી અને આવનારા દિવસોમાં તમામ જિલ્લામાં ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. આરોગ્ય વિભાગ આ માટે એક સઘન પ્રયાસ હાથ ધરશે અને એકપણ જગ્યા બાકી ન રહે એવો પ્રયાસ કરવામાં આવશે.
ચાંદીપુરા વાઇરસ કોરોના જેવો ચેપી રોગ નથી
તેમણે આગળ કહ્યું હતું કે કોરોનાકાળમાં ડર હતો કે ચેપ લાગશે એ રીતે આ ચેપી રોગ નથી, પરંતુ પ્રિકોશન રાખવાની ખૂબ જરૂરી છે. આરોગ્ય વિભાગે એડવાઈઝરી પણ જાહેર કરી છે. બાળકને તાવ આવે કે તરત જ પીએચસી કે સીએચસી અથવા શક્ય હોય તો નજીકની મોટી હોસ્પિટલમાં તાત્કાલિક સંપર્ક કરી સારવાર કરાવે એ પ્રાથમિક તબક્કે ખૂબ જરૂરી છે. જો સારવાર માટે લાંબો સમય લાગી જાય તો મૃત્યુઆંક વધે છે. હજુ પણ રાજ્યના તબીબો સાથે, આરોગ્ય વિભાગની ટીમ સાથે આ રોગમાં લાઈન ઓફ ટ્રીટમેન્ટ કેવી રીતે થઈ શકે ? એ બાબતની વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરીશું. આ રોગને કાબૂમાં લાવી શકાય એમ છે, જેથી લોકો પાણી ભરાયાં હોય ત્યાં દવાનો છંટકાવ કરે, મચ્છરથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરે. ઇમ્યુનિટી ઓછી હોય એવા લોકોને આ રોગ થાય છે. હાલમાં 29 દર્દીમાંથી 15નાં મોત થયાં છે અને બાકીના સારવાર લઈ રહ્યાં છે.