ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. સાબરકાંઠાથી શરૂ થયેલ આ ચાંદીપુરા વાયરસના કેસો સતત વધી રહ્યા છે. આ દરમિયાન દાહોદ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 2 બાળકોના મોત થયા છે. વિગતો મુજબ દેવગઢ બારીયાના 3 માસના બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત થયું છે. આ સાથે લીમખેડા તાલુકાના સાસટા ગામે 5 વર્ષના બાળકનું મોત થયું છે. આ બંને બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આ તરફ હવે તંત્ર દ્વારા અસરગ્રસ્તના ઘર આસપાસ સર્વેલન્સ કામગીરી હાથ ધરાઇ છે.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાથી શરૂ થયેલ ચાંદીપુરા વાયરસના કેસો હવે ધીરે ધીરે રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ સામે આવી રહ્યા છે. આ તરફ હવે સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આરોગ્ય તંત્ર દ્વારા ચાંદીપુરા વાયરસને નિયંત્રિત કરવા માટે લેવાઈ રહેલ પગલાં અંગે સમીક્ષા કરી હતી. આ સાથે હવે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી માટે 104 નંબરની હેલ્પલાઇનની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે.