રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનના બે હોલનાં નામ બદલવાની જાહેરાત કરી હતી. હવેથી દરબાર હોલ ગણતંત્ર મંડપ તરીકે ઓળખાશે અને અશોક હોલ અશોક મંડપ તરીકે ઓળખાશે.
રાષ્ટ્રપતિ ભવનની આસપાસનાં ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો અને પ્રકૃતિને પ્રતિબિંબિત કરવા માટે બંને હોલનાં નામ બદલવામાં આવ્યાં છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ભવન, જે ભારતીય રાષ્ટ્રપતિનું કાર્યાલય અને નિવાસસ્થાન છે, એ દેશનું પ્રતીક અને લોકોની અમૂલ્ય ધરોહર છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ ભવનમાં ભારતીય સંસ્કૃતિની ઝલક બતાવવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે.આ અંગે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે આ દેશમાં દરબારનો ખ્યાલ નથી, પરંતુ શહેનશાહનો ખ્યાલ છે.
દરબાર હોલમાં રાષ્ટ્રીય પુરસ્કારોની રજૂઆત જેવાં મહત્ત્વપૂર્ણ કાર્યો અને ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. ભારતીય શાસકો અને અંગ્રેજો દ્વારા આયોજિત અદાલતો અને સભાઓ પછી આ હોલનું નામ ‘દરબાર’ રાખવામાં આવ્યું હતું, પરંતુ 1950માં દેશ પ્રજાસત્તાક બન્યા પછી આ નામ હવે વાજબી રહ્યું નથી, આથી આ હોલનું સાચું નામ ‘ગણતંત્ર ભવન’ છે.
અશોક હોલ પહેલાં બોલરૂમ હતો, જ્યાં અંગ્રેજો બોલ ડાન્સનું આયોજન કરતા હતા. ‘અશોક’ શબ્દનો અર્થ થાય છે ‘જે તમામ દુ:ખોથી મુક્ત છે’ અથવા ‘જેને કોઈ શોક કે દુ:ખ નથી’. એ સમ્રાટ અશોકના નામની પણ યાદ અપાવે છે, જે એકતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનું પ્રતીક છે. ભારતીય પ્રજાસત્તાકનું રાષ્ટ્રીય પ્રતીક સારનાથનો અશોક સ્તંભ પણ છે. આ શબ્દ અશોક વૃક્ષ સાથે પણ જોડાયેલો છે, જેનું ભારતીય ધાર્મિક પરંપરાઓ તેમજ કલા-સંસ્કૃતિમાં ઊંડું મહત્ત્વ છે. ‘અશોક હોલ’નું નામ બદલીને ‘અશોક મંડપ’ રાખવા પાછળનો હેતુ ભાષામાં એકરૂપતા લાવવા, અંગ્રેજીકરણના નિશાન દૂર કરવા અને ‘અશોક’ શબ્દ સાથે સંકળાયેલાં મૂલ્યોને જાળવી રાખવાનો છે.