મોડી રાતથી ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધારે મહેસાણા જિલ્લામાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો પાટણમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગતરોજ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. ઉત્તર ગુજરાતના જિલ્લામાં લાંબા સમયથી નોંધપાત્ર વરસાદની રાહ જોવાઈ રહી હતી જે પૂરી થઈ હતી. ગતરોજ સવારથી જ મેઘરાજાએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મંડાણ કર્યા હતા. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગતરોજ રાજ્યમાં 200થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો હતો.
આગામી 6 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 6 દિવસ સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 6 દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર- કચ્છના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ મેઘો મહેરબાન થશે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પણ ઝડપી રહેવાની સંભાવનાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.