ભાવનગરના કાળિયાબીડમાં મધરાતે બેકાબુ બનેલી ફોર્ચ્યુનર કારે પ્રથમ ત્રણ કારને ટક્કર માર્યા બાદ એક દુકાનના શટર સાથે અથડાઈ હતી, બનાવના પગલે આ વિસ્તારના રહિશો ભયના માર્યા બહાર દોડી આવ્યા હતા તેવામાં અન્ય કાર આવતા તેમાં બેસીને ફોર્ચ્યુનર કાર ચાલક ફરાર થઈ ગયો હોવાનું નિહાળ્યું હતું. વધુમાં આ કાર ચાલક ભાજપના એક નગરસેવકનો પુત્ર હોવાનું પણ કહેવાય રહ્યું છે, જોકે આ મામલે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવાઈ નથી. બનાવના પગલે રાત્રે પોલીસની પીસીઆર વાન પણ સ્થળ પર પહોંચી હતી તેમ જાણવા મળ્યું છે.
સમગ્ર બનાવ અંગે સૂત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના કાળિયાબીડમાં વિરાણી સર્કલથી પાણીની ટાંકીના રસ્તે લગભગ રાત્રે ૧ વાગે પસાર થતી એક ફોર્ચ્યુંનર કારના ચાલકે કોઈ કારણસર કાબુ ગુમાવતા ફોર્ચ્યુંનર કાર બેકાબુ બની હતી અને ત્યાં રસ્તા પર પાર્ક કરેલ અન્ય બે થી ત્રણ કારને ટક્કર મારી અને ફોર્ચ્યુંનર કાર એક દુકાનના શટર સાથે અથડાઈ હતી. બનાવના પગલે મોટો અવાજ થતા લોકો સફાળા જાગી ગયા હતા અને બહાર આવી જોતા સમગ્ર ઘટનાક્રમની જાણકારી મળી હતી, તેવામાં અન્ય એક કાર આવતા ફોર્ચ્યુંનર કારનો ચાલક તેમાં બેસીને નવ દો ગ્યારા થઈ ગયો હતો.!!
વધુમાં સૂત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ ફોર્ચ્યુંનર કારનો ચાલક ભાજપના એક કોર્પોરેટરનો પુત્ર હોવાનું કહેવાય છે. આ બનાવવામાં કાર ચાલક યુવાનને પણ લોહિયાળ ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર કર્યા બાદ રાતોરાત રજા લઈ લેવાય હોવાનું પણ ચર્ચામાં આવ્યું છે, આ બનાવને લઈને આજ સવારથી ભાવનગરમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. દરમિયાનમાં સમગ્ર ઘટનાને દબાવવા પણ પ્રયાસો ચર્ચાસ્પદ બન્યા છે. આ વિસ્તારમાં અનેક લોકો રાત્રે ચાલવા નીકળતા હોય છે, સદનસીબે ઘટના બે કલાક મોડી બની છે, જો રાત્રે ૧૧ વાગ્યા આસપાસ અકસ્માત થયો હોત તો હિટ એન્ડ રન જેવો બનાવ રોકી શકાયો ન હોત. તેમ લોકોનું કહેવું છે. અકસ્માત બાદ લોકો એકત્ર થઇ ગયા હતા જયારે પેટ્રોલીંગમાં રહેલી પિસીઆર વાન પણ તુરંત સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.