ઉત્તરાખંડમાં ફરી એકવાર કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. બુધવારે રાત્રે કેદારનાથ ધામની આસપાસ વાદળ ફાટવાથી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મંદાકિની નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થવાને કારણે આ વિસ્તારમાં ભારે વિનાશનો ભય છે. પ્રાપ્ત માહિતી અનુસાર લીંચોલી વિસ્તારમાં પણ વાદળ ફાટવાના સમાચાર છે. જેના કારણે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. મળતા સમાચાર મુજબ અત્યાર સુધીમાં ૬ના મોત થયા છે અને સેંકડો ઘર અને વાહનો તણાય ગયા છે.
એસડીઆરએફ, જિલ્લા પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમોને રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેદારનાથ ધામમાં લગભગ ૧૫૦ થી ૨૦૦ શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘટનાને ગંભીરતાથી લેતા ઉત્તરાખંડ સરકારે તમામ જિલ્લા પ્રશાસનને એલર્ટ પર મૂકી દીધા છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તમને જણાવી દઈએ કે, ૨૦૧૩માં કેદારનાથમાં બનેલી ભયાનક દુર્ઘટનાને જોતા પ્રશાસન આ વખતે વધુ સતર્ક છે. જો કે, કુદરતના પ્રકોપથી સંપૂર્ણપણે બચવું મુશ્કેલ છે.
પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ભારે નુકસાન થયું છે. બંને રાજ્યોમાં વિવિધ સ્થળોએ વાદળ ફાટવાના અહેવાલ છે. ઉત્તરાખંડની સ્થિતિ ચિંતાજનક છે કારણ કે વાદળ ફાટવાના કારણે ઉત્તરાખંડના ટિહરી, રુદ્રપ્રયાગ અને ભીંબલીમાં ચારધામ યાત્રાના માર્ગ પર અનેક શ્રદ્ધાળુઓ ફસાઈ જવાની સંભાવના છે. મોટી સંખ્યામાં યાત્રાળુઓ વિવિધ સ્થળોએ ફસાયેલા છે. વિવિધ સ્થળોએ વાદળ ફાટવાના અહેવાલ બાદ સમગ્ર ઉત્તરાખંડમાં એનડીઆરએફ, એસડીઆરએફ, જિલ્લા પોલીસ અને સ્થાનિક અધિકારીઓ સહિતની ઇમરજન્સી સેવાઓને એલર્ટ જાહેર કરવામાં આવી છે. કેદારનાથમાં ફસાયેલા ૧૫૦ થી ૨૦૦ શ્રદ્ધાળુઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.ટિહરીના ઘંસાલીમાં ગડેરે ઓવરફ્લો થવાને કારણે રસ્તાની બાજુની એક રેસ્ટોરન્ટ અને આઠથી ૧૦ વાહનો ધોવાઈ ગયા હતા. જેમાં રેસ્ટોરન્ટ સંચાલક, તેની પત્ની અને પુત્રનું મોત થયું હતું.