ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. કાશી વિશ્વનાથ મંદિર પાસે મોડી રાત્રે બે મકાનો ધરાશાયી થયા છે. જેમાં ઘણા લોકો કાટમાળ નીચે દટાયા છે. હાલ NDRF અને સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના વારાણસીના ચોક પોલીસ સ્ટેશન વિસ્તારના ખોઆ ગલી ચોક પર બની હતી. અહીં 70 વર્ષ જૂના મકાનો અચાનક ધરાશાયી થઈ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રખ્યાત જવાહિર સાઓ કચોરી વાલા ઉપર સ્થિત રાજેશ ગુપ્તા અને મનીષ ગુપ્તાના ઘરના કાટમાળ નીચે આઠ લોકો દટાયા હતા.
આ ઘટનાને પગલે મંદિર તરફ જતો ગેટ નંબર 4 બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે ગેટ નંબર 1 અને 2થી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સુરક્ષાના કારણોસર, ઘટના સ્થળે અધિકારીઓએ મીડિયા કર્મીઓને પ્રવેશતા પણ અટકાવ્યા છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. સવારે 4 વાગ્યાની આસપાસ આ મકાનો ધરાશાયી થયા હતા. આ વિસ્તાર યલો ઝોનમાં આવે છે. આ મકાનો પહેલાથી જ જર્જરિત હાલતમાં હતા. છતાં આ મકાનોમાં લોકો રહેતા હતા.