પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર શૂટર મનુ ભાકરની માતા સુમેધા અને સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આમાં માતા સુમેધા નીરજનો હાથ પકડીને તેના માથા પર મૂકતી જોવા મળે છે. સુમેધા નીરજને સિલ્વરથી નિરાશ ન થવાનું કહેતી સાંભળી શકાય છે. આના કરતાં વધુ મહેનત કરવી પડશે.
સુમેધાએ કહ્યું, ‘મારી દીકરીની જેમ સ્પોર્ટ્સ છોડવાનું વિચારશો નહીં. તમારામાં હજી ઘણી રમત બાકી છે. વીડિયોમાં દેખાતી ઘટના સોમવારે પેરિસ ઓલિમ્પિક ગેમ્સ વિલેજમાં બની હતી. આ વીડિયો પર મનુના પિતા રામકિશન ભાકરે કહ્યું, ‘બંને વચ્ચે લાંબી વાતચીત થઈ. સુમેધાએ નીરજને કહ્યું કે તેને વધુ મહેનત કરવી પડશે અને પાકિસ્તાનના અરશદ નદીમને હરાવવા પડશે.
વીડિયોમાં સુમેધા વાત કરતી વખતે થોડી ઈમોશનલ દેખાઈ રહી છે. નીરજ પણ સુમેધાના માથા પર હાથ મૂકે છે અને હા પાડી દે છે. આ સમયનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં નીરજ અને મનુ પણ ઉભા થઈને વાત કરી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ નીરજ અને મનુના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, નીરજના કાકાએ આ વાતોને પાયાવિહોણી ગણાવી છે. તેણે કહ્યું, ‘જેવી રીતે નીરજ મેડલ લાવ્યો, તમામ દેશવાસીઓને તેની જાણકારી મળી. એ જ રીતે લગ્ન થશે તો બધાને ખબર પડશે. મનુના પિતા રામ કિશને કહ્યું છે કે મનુ હજુ ઘણી નાની છે. તેની લગ્નની ઉંમર પણ નથી. અત્યારે તેના વિશે વિચારતા પણ નથી. તેણે વીડિયો પર કહ્યું કે મનુની માતા નીરજને તેના પુત્ર જેવો માને છે.